ગુજરાતના દરિયાકિનારાની સુરક્ષા માટે પોલીસમથકો નથી : એહમદ પટેલ
ગુજરાતના ૧૬૦૦ કિમીના દરિયાકિનારાના વિસ્તારોની સલામતી અંગેના ગંભીર પ્રશ્નો પરત્વે ધ્યાન દોરવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ અધ્યક્ષાના રાજકીય સચિવ એહમદ પટેલે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહને એક પત્ર લખીને જણાવ્યું હતું કે,ગુજરાતના દરિયાકિનારાના ચેકપોસ્ટ અને પોલીસ મથકો કાર્યરત નથી અને ૧૬૦૦ કિમી લાંબો દરિયાકિનારો ધરાવતા આ રાજ્યમાં રાજ્ય સરકારમાં દરિયાઈ પોલીસ મથકોની તંગી છે. જ્યારે ઘણા દરિયાઈ વિસ્તારના ચેકપોસ્ટ અને પોલીસમથકોમાં તાલીમબદ્ધ અધિકારીઓનો અભાવ છે. સંવેદનશીલ વિસ્તારોમાં પણ પોલીસ મથકો અપૂરતા છે. જેમ કે, પાકિસ્તાનની સરહદે આવેલા કચ્છ જિલ્લામાં ૨૩૫ કિમી દરિયાકિનારા માટે માત્ર એક જ પોલીસમથક છે. તે જ પ્રમાણે, દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં, શ્રી દ્વારકાધીશ મંદિર અને હરસિદ્ધ મંદિર વચ્ચેના પટ્ટામાં કોઈ દરિયાઇ પોલીસ મથક નથી. દર વર્ષે લાખ્ખો યાત્રાળુઓ આ મંદિરોમાં દર્શનાર્થે આવતા હોઈ આવા સંવેદનશીલ પટ્ટામાં અપૂરતી પોલીસ સલામતીની ગંભીર ઊણપ દર્શાવે છે આ ઘણી જ ગંભીર અને વ્યથિત કરનારી બાબત છે. તેમણે જણાવ્યું છે કે કેન્દ્રના ગૃહમંત્રી તરીકે આપ વાકેફ હશો કે રાજ્ય સરકાર ૧૨ નોટીકલ માઈલ્સ સુધી સલામતી વ્યવસ્થા માટે જવાબદાર છે. જોકે ગુજરાતની દરિયાકિનારાની સલામતીને સુદૃઢ બનાવવા કેન્દ્ર સરકાર રાજ્યને દર મહિને ૧૮૦૦ કિમી પેટ્રોલિંગ માટે ૩૦ ઇન્ટરસેપ્ટર બોટસ પૂરી પાડી હતી. આ પૈકીની મોટાભાગની બોટસ માંડ ૨૫ ટકા પેટ્રોલિંગ કરે છે. ૨૦૦૫-૨૦૦૬ માં પણ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને દરિયાકિનારાની સલામતી માટે માળખાકીય સુવિધાઓ માટે નોંધપાત્ર નાણાં ભંડોળ પૂરા પાડયા હતા. પરંતુ રાજ્ય સરકારે આ અંગે કોઈ પ્રગતિ કરી નથી.કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટ જનરલે પણ તેમના અગાઉના રિપોર્ટમાં, રાજ્યની દરિયા કિનારાની સલામતી અંગે અને કેટલાક ખાનગી બંદરોની સુરક્ષા વ્યવસ્થા ખાનગી સુરક્ષા સલામતી અંગે અને કેટલાક ખાનગી બંદરોની સુરક્ષા વ્યવસ્થા ખાનગી સુરક્ષા એજન્સીઓ દ્વારા આવતી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=3099524