ગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ
એચ.પી. અને એલ.પી. વચ્ચે અટવાયેલી ભાજપ સરકાર અને ખાસ કરીને રાજ્યના આરોગ્ય મંત્રી અન્ય કામમાં એટલા વ્યસ્ત છે કે, ગુજરાતના છ કરોડ નાગરિકોનું આરોગ્ય રામ ભરોસે હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે રાજ્યમાં સ્વાઇન ફ્લુ, મેલેરિયા, ડેન્ગ્યુ, ટાઈફોઈડ, કોંગો ફીવર જેવા વિવિધ વાયરલ રોગોના કારણે ગુજરાતની હોસ્પિટલો અને ખાસ કરીને ખાનગી હોસ્પિટલો ઉભરાઈ રહી છે. અને બીજી બાજુ રાજ્યના આરોગ્ય વિભાગ કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું હોય તેવો આક્ષેપ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર ઉત્સવો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. બીજી બાજુ આરોગ્ય સેવામાં માથાદીઠ ખર્ચ કરવામાં ગુજરાત છેવાડાનું રાજ્ય છે. રાજ્યના મુખ્ય મહાનગરો` અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, જુનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર હોવા છતાં હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનીટી આરોગ્ય કેન્દ્રમાં ડોકટરો નથી. મોટા ભાગના આરોગ્ય કેન્દ્રોમાં સામાન્ય દવાઓ પણ દર્દીઓને અપાતી નથી. બહારના મેડીકલ સ્ટોર્સ સાથે ગોઠવણ હોવાથી સરકારી હોસ્પિટલોમાંથી આપવાની થતી મફત દવાઓ દર્દીઓને અપાતી નથી. આરોગ્ય મંત્રી અન્ય જવાબદારીમાં અતિ વ્યસ્ત હોવાથી રાજ્યમાં આરોગ્ય સેવા પડી ભાંગી છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો