ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભ્રષ્ટાચારને છાવરે છે :કોંગ્રેસ
પેઢલા ગામે મોટી ધાણેજ સેવા સહકારી મંડળી મારફતે સંગ્રહાયેલી મગફળીમાં મોટા પ્રમાણમાં માટી-ધૂળ-ઢેફા અને રેતી મળી છે. જેને કારણે વેપારીઓએ આવી મગફળીની ગુણીઓ લેવાની ના પાડી છે. ટેકાના ભાવે ખરીદાયેલી રૃા. ૩૫૦૦ કરોડની મગફળી કે જે ગોડાઉનમાં સંગ્રહીત છે તે તમામ મગફળીના કોથળામાં માટી ધૂળ-ઢેફા-રેતી ભરેલા છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ પત્ર લખીને ન્યાયિક તપાસની માગણી કરાઈ હતી. કોંગ્રેસે ચિમકી ઉચ્ચારી છે કે, ઉચ્ચ ન્યાયપાલિકાનાં સીટીંગ જજ દ્વારા મગફળી કાંડની તપાસની માગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે વિવિધ જગ્યાએ ધરણા-ઉપવાસ કરાશે.
વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ આ અંગે જણાવ્યું કે જો પત્ર લખ્યા બાદ પણ સરકારે તપાસની માગણી સ્વીકારી નથી. આથી શુક્રવારે રાજકોટ જિલ્લાનાં જેતપુર તાલુકાના પેઢલા ગામે કોંગ્રેસના આગેવાનો-કાર્યકરોએ પ્રજાજનોની સાથે ઉપવાસ આંદોલન શરૃ કર્યું છે. આવતીકાલે શનિવારે ગોંડલનાં રામરાજ્ય ગોડાઉન, ઉમરાળા રોડ ખાતે તપાસની માગણી સાથે પ્રતિક ઉપવાસ-ધરણા કરાશે. વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો છે કે, આંદોલનથી આઝાદ થયેલા ગુજરાતમાં મગફળી કાંડની ન્યાયિક તપાસ માટે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની મંજૂરી નહીં આપીને ભાજપ સરકાર સત્યને દૂભાવવાનો અને ભ્રષ્ટાચારને છાવરવાનો પ્રયાસ કરે છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad/why-is-there-a-judicial-inquiry-if-the-government-is-clean-in-groundnut-