ગાંધી આશ્રમ સામે ગાંધી ચિંધ્યા માર્ગે કોંગ્રેસનો “મૌન સત્યાગ્રહ”
કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સખ્યામાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યક્રરો ઉપસ્થિત રહ્યા હતા.
આજે કોંગ્રેસ દ્વારા મૌન સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે કહ્યું કે, સામાન્ય, મધ્યમવર્ગ અને દેશના નાગરિકોના જીવનને સ્પર્શતા મોંઘવારી,બેરોજગારી,ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ-પ્રશ્નો માટે સતત લડતા રાહુલ ગાંધી પર રાજકીય દ્વેષભાવ રાખી તેમના અવાજને દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે.
દ્વેષભાવની ભાજપની રાજનીતિ પર આકરા પ્રહાર કરતા રાજ્યસભા સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી જનનેતા તરીકે રાષ્ટ્ર હિતમાં ભારતના ખેડૂતો, યુવાનો, શ્રમિકો, નાના ઉદ્યોગકાર-વેપારીઓ માટે સતત અવાજ ઉઠાવે છે. જે ભાજપને મંજુર નથી.
ગોહીલે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ક્યારેય પણ કોઈ જ્ઞાતિ, સમાજ કે ધર્મનો અપમાન કર્યું નથી. તે હંમેશા તેમને માન-સન્માન આપ્યું છે.રાહુલ ગાંધી પ્રજાહિત માટે કામ કરે છે જ્યારે બીજી તરફ મુઠ્ઠીભર લોકો માટે દેશ લુટાવાઈ રહ્યો છે. દેશના નાગરિકોના પરસેવાના કરોડો રૂપિયા ચાંઉ કરીને નિરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી સહિતના ચોરોએ લુંટ ચલાવી છે.
રાહુલ ગાંધી વારંવાર કહે છે કે મને જેલમાં પુરી દો, સંસદ સભ્યપદ રદ કરી દો, ઘર લઈ લો, તો પણ હું સત્ય બોલતો જ રહીશ. આજે પુજ્ય મહાત્મા ગાંધીના આશ્રમ સામે રાહુલ ગાંધીના સમર્થનમાં અમે સૌ ધરણાં ઉપર બેઠા છીએ ત્યારે કોંગ્રેસ પક્ષનો દરેક કાર્યકર આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં ઉભો છે.
ઐતિહાસિક ગાંધી આશ્રમ પાસે આદરણીય રાહુલ ગાંધીના સમર્થનમાં આયોજીત “મૌન સત્યાગ્રહ” વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટના આદેશને સુપ્રિમકોર્ટમાં પડકારશે. દરેક ભારતીયના કલ્યાણ માટે અમારી પ્રતિબધ્ધતા સ્પષ્ટ છે. પછી ભલે ભાજપ અમારી સામે કોઈપણ રણનીતિ અપનાવે, ભારતમાં આવી ફાંસીવાદી શક્તિઓ વધુ લાંબા સમય સુધી ચાલી શકશે નહીં.
“મૌન સત્યાગ્રહ” માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડીયા, સિધ્ધાર્થ પટેલ, વરિષ્ઠ નેતા મધુસુદન મિસ્ત્રી, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ઉપનેતા શૈલેષ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
https://gujarati.abplive.com/photo-gallery/news/ahmedabad-gujarat-congress-organized-silent-satyagrah-at-gandhi-ashram-848513