ગરીબોની મદદ અને જીવનધોરણ ઊંચું લાવવા રૂ. ૬૫,૦૦૦ કરોડ જોઈશે : રાજન

કોરોના લોકડાઉનને ભારતે ચતુરાઈપૂર્વક, ગણતરીપૂર્વક અને આયોજનબદ્ધ રીતે હટાવીને ઇકોનોમીને ખુલ્લી મૂકવી પડશે. ઇકોનોમીમાં લોકડાઉનને લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય નહીં. લોકડાઉન બીજા તબક્કામાં લંબાવવું પડયું તેનો મતલબ એમ કે લોકડાઉનનો પહેલો તબક્કો સફળ રહ્યો નથી તેમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કહ્યું હતું. ભારત પાસે ઇકોનોમી માટે કામ કરતા તમામ લોકોને લાંબાગાળા સુધી આર્થિક તેમજ સામાજિક રીતે મદદ કરવાની ક્ષમતા નથી તેથી તેણે ધ્યાનપૂર્વક ઇકોનોમીને ધમધમતી કરવી પડશે. કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી સાથે કોરોના પછી દેશની ઇકોનોમી પર આર્થિક અસરો અંગે વાતચીત કરતા રાજને મહત્ત્વનાં અભિપ્રાય રજૂ કર્યા હતા અને કેટલાક સૂચનો કર્યા હતા.

ત્રીજું લોકડાઉન ભારત માટે વિનાશકારી પુરવાર થશે

ગરીબોને સહાય કરવા અને તેમની જીવનશૈલી બદલવા માટે ભારતને રૂ. ૬૫,૦૦૦ કરોડની જરૂર પડશે. દેશ મોટા પડકારોનો સામનો કરી રહ્યો છે ત્યારે તે ભાગલા પાડી શકે નહીં કે લોકોનાં ઘર ઉજ્જડ કરી શકે નહીં. રાજને કહ્યું હતું કે હવે પછી જો લોકડાઉન લંબાવવામાં આવશે તો ભારત માટે તે વિનાશક પુરવાર થશે. કોરોનાને કારણે દેશનાં લોઅર અને મિડલ ક્લાસનાં લોકો સામે મોટા પડકારો સર્જાયા છે. તેમની પાસે સારી જોબ નહીં હોય.

રાહુલ ગાંધીએ સરકારને સૂચનો કરવા સમિતિ રચી

સરકાર સાથે વિવાદ સર્જવાને બદલે રાહુલે સરકારની આંખો ખોલવા અને સૂચનો કરવા નિષ્ણાતોની સમિતિ રચી છે. જેમાં પૂર્વ પીએમ મનમોહનસિંહ, રણદીપ સૂરજેવાલા, કે. સી. વેણુગોપાલ, ચિદમ્બરમ્, મનીષ તિવારી, જયરામ રમેશ, પ્રવીણ ચક્રવર્તી, સુપ્રિયા શ્રીનાતે, ગૌરવ વલ્લભ જેવા નિષ્ણાતો છે.

Read More: http://sandesh.com/poor-help-and-living-standards/