ગઢડા સિંચાઇ કચેરી સામે તાલુકા કોંગ્રેસ પ્રમુખનો આત્મ વિલોપનનો પ્રયાસ

ગઢડાના લીંબાળી ડેમની જર્જરીત હાલત અને કામગીરીના મામલે અનેક વાર રજૂઆત બાદ કોઇ પરીણામ ન આવતા આજે ગઢડા સિંચાઇ કચેરી સામે જિ.પં.ના સદસ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખે પેટ્રોલ છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી. ઘટનાના પગલે પોલીસે તેઓની અટકાયત કરી લીધી હતી.
બનાવ સંદર્ભે જાણવા મળતી વિગતો અનુસાર ગઢડા (સ્વામીના) તાલુકાના લીંબાળી મુકામે ગત ૨૦૦૭માં થયેલ અતિવૃષ્ટીના કારણે સિંચાઇ યોજના માટે બનાવવામાં આવેલ અને આજુબાજુના ૧૫ કરતા પણ વધારે ગામના ખેડૂતો માટે આશિર્વાદ સમાન લીંબાળી ચેક ડેમ ધરમુળથી તુટી જતા સરકાર દ્વારા કરોડો રૃપિયાના ખર્ચે બનાવવામાં આવેલ ડેમનો હેતુ ધૂળ ધાણી થઇ જવા પામેલ. આ ડેમને પુનઃ રીપેર અને નવ નિર્માણ માટે સરકારના સિંચાઇ વિભાગ દ્વારા અવારનવાર નિરિક્ષણ અને જરૃરી પ્લાન એસ્ટીમેટ બનાવી આ ડેમના નવીનિકરણની કામગીરી હાથ ધરવામાં આવેલ. આ કામગીરી શરૃ થયા બાદ થોડા સમયમાં જ કામગીરી ઠપ્પ કરી દેવામાં આવતા અને છેલ્લા દસેક માસના સમયગાળાથી આ કામગીરી સંપુર્ણ બંધ રહેતા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સહિત આ ડેમના નવીનિકરણ માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે. ત્યારે સરકારી વિભાગ દ્વારા આ ડેમની કામગીરી માટે જણાઇ આવેલ ઉદાસીનતા તેમજ અવારનવાર કરવામાં આવેલી રજૂઆત છતા કોઇ પરિણામ નહી આવતા તેમજ લીંબાલી ગામમાં ભયંકર અકસ્માત સર્જે તેવી ગંભીર રીતે તુટી ગયેલા મુખ્ય પુલ અને રેલીંગની કામગીરી માટે પણ તંત્ર દ્વારા ઉદાસીનતા દાખવવામાં આવતા આ તમામ મુદ્દે જિલ્લા પંચાયતના સદસ્ય અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ વાલજીભાઇ વીરજીભાઇ જાદેવ ગત તા.૩૦-૮ના રોજ જિલ્લા કલેક્ટર બોટાદ તથા ગઢડા પોલીસને આ બાબતે જાણ કરી યોગ્ય નિરાકરણ ના આવે તો કંટાળી જઇને આત્મવિલોપન કરવા માટે ચિમકી આપેલ. જેના પગલે તા.૩૧-૮ના રોજ સવારે સિંચાઇ કચેરી સામે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા ગઢડા પી.એસ.આઇ. ધોરડા સહિતના સ્ટાફે દોડધામ કરી અરજદારની અટકાયત કરી ૧૫૧ મુજબ કાર્યવાહી હાથ ધરેલ. જ્યારે આ બાબતે જવાબદાર સિંચાઇ ખાતાના અધિકારી તરફથી પણ અરજદારને મૌખિક ખાત્રી આપવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. ઉલ્લેખનીય છેકે લીંબાળી ડેમની કામગીરી અને લીંબાળી ગામના પુલની દુર્દસાના કારણે અનેક લોકો પારાવાર પરેશાની વેઠી રહ્યા છે. ત્યારે પક્ષા પક્ષીના રાજકારણના બદલે લોક ઉપયોગી કાર્યો માટે ત્વરીત ઘટતી કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત જરૃરી છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bhavnagar-gadhada-irrigation-district-congress-president-s-office-to-try-self-obliteration