ખેડૂતો સાથે સંવેદના: અપૂરતું રાહત પેકેજ મળતાં શંકરસિંહ બર્થ ડે નહીં ઊજવે

ભારે વરસાદને કારણે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારમાં મોટાપાયે નુકશાન થતા રાજય સરકાર યોગ્ય વળતર આપશે તેવી માગણી ખેડૂતો વતી કોંગ્રેસ પણ કરી હતી. કોંગ્રેસના ધારાસભ્ય પરેશ ધાનાણી ઉપવાસ પર પણ બેઠા હતા, આમછતા રાજય સરકારે અપૂરતું પેકેજ જાહેર કરતા કોંગ્રેસ વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કાલે તા. 21 જુલાઇએ આવનારો 76મો જન્મ દિવસ ઉજવશે નહીં તેવી જાહેરાત કરી છે.
આ બાબતે જણાવતા વિરોધ પક્ષના નેતા વાઘેલાએ કહ્યું હતું કે ગુજરાત અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ બંનેનો ભોગ બન્યુ છે. અમરેલી તથા આસપાસના વિસ્તારોમાં થોડાક દિવસ પહેલા પડેલા અતિશય ભારે વરસાદને કારણે તારાજી સર્જાય હતી. આ પછી રાજય સરકાર હજુ પણ ખરેખર કેટલી નુકશાની થઇ છે તેનો સાચો અંદાજ લગાવી શકી નથી, આમછતા ઉતાવળે માત્ર રૂ. 300 કરોડનું રાહત પેકેજ જાહેર કરીને ગરીબ, મધ્યમ વર્ગ, વેપારી અને ખેડૂતોની મશ્કરી કરવાનો પ્રયાસ કર્યો છે ત્યારે જન્મ દિવસની ઉજવણી કરીને તેમની વેદનામાં વધારો ન કરવા માગતા હોવાનું વિરોધ પક્ષના નેતા વાઘેલાએ જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે રાજયની પ્રજાને પરમાત્મા સહાય કરે તેટલા માટે તેઓ પ્રાર્થના કરશે અને જન્મ દિવસની ઉજવણી કરશે નહીં.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-vidhansabha-opposition-leader-sankarsih-vaghela-not-celebrate-his-76-birthday-5058812-P.html