ખામીયુક્ત GST કરતાં તેમાં વિલંબ થાય તે વધુ યોગ્ય છે : ચિદમ્બરમ
જીએસટીના દરને બંધારણમાં સામેલ કરી ન શકાય તેવા વલણની ટીકા કરતાં પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે જણાવ્યું હતું કે અસામાન્ય સંજોગોમાં નવા કરવેરા લાદવાની સરકારને સત્તા સાથે કરવેરાના દરને બંધારણમાં સામેલ કરવાની ઘટના ભૂતકાળમાં પણ બની ચૂકી છે. નાણામંત્રી અરુણ જેટલી સાથે સંમત થતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે, ખામીયુક્ત જીએસટી ખરડો પસાર કરવા કરતાં તેમાં વિલંબ થાય તે સારું છે. કોંગ્રેસ અન્ય કારણોને લીધે જીએસટી ખરડો સંસદમાં પસાર થવા દેતી નથી તેવા સરકારના આરોપો નકારી કાઢતાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારને સહકાર આપવા તૈયાર છે પરંતુ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સોનિયા ગાંધી વચ્ચે ગયા મહિને થયેલી મુલાકાત બાદ તે અંગે કશું સાંભળવા મળ્યું નથી.
ચિદમ્બરમે જીએસટી પસાર કરાવવામાં નિષ્ફળતાનો દોષ સરકાર પર મઢતાં જણાવ્યું હતું કે શરૂઆતથી જ સરકારે કોંગ્રેસના ત્રણ સૈદ્ધાંતિક વાંધાઓ અંગે કોંગ્રેસ સાથે ચર્ચા કરી હોત તો અત્યારે ખરડો પસાર પણ થઇ ગયો હોત. મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમનો અહેવાલ પણ કોંગ્રેસની ત્રણમાંથી બે માગણીઓનું સમર્થન કરે છે. માલસામાનના આંતરરાજ્ય પરિવહન પર એક ટકો વધારાનો ટેક્સ ન હોવો જોઇએ અને જીએસટીનો દર ૧૮ ટકાથી વધુ હોવો જોઇએ નહીં તેવી કોંગ્રેસની બે માગ સાથે તેઓ સંમત છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3210015