ખાનગી શાળાના બાળકોની બસ ખેંચી લેતા મજબૂર થઈને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની ફરજ : 07-07-2017

ભાજપ સરકારના શાસનમાં એસ.ટી. બસો ભાજપના કાર્યક્રમ માટે ફાળવી દેવાની અનેક ઘટનાઓ બની છે. હજારો મુસાફરો વારંવાર પરેશાન થયા છે. પણ સત્તાના અહંકારમાં પ્રજાની મુશ્કેલીની અવગણના કરવામાં આવી રહી છે. ભાજપ પક્ષના ૨૦ વર્ષથી વધુ શાસનના અહંકારની ચરમસીમા સમાન વલસાડ ખાતે ભાજપ અધ્યક્ષના કાર્યક્રમમાં ખાનગી શાળાના બાળકોની બસ ખેંચી લેતા મજબૂર થઈને શાળાના આચાર્યને વિદ્યાર્થીઓની પરીક્ષા રદ્દ કરવાની ફરજ પડી છે. શિક્ષણ ઉપલબ્ધ કરવામાં નિષ્ફળ ભાજપ શાસકોની ધાકધમકીના વરવા પ્રદર્શનને વખોડી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ એમ. દોશીએ જણાવ્યું હતું કે, વલસાડ ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના સંમેલનમાં સ્થાનિક શાળાની સ્કૂલ બસ કાર્યકરો – આગેવાનો દ્વારા ખેંચી લેતા શાળાના બાળકોની પરિક્ષા હોવા છતાં ડર – મજબૂરીથી શાળાના આચાર્યને પરીક્ષા રદ્દ કરવાની ફરજ પડી. છેલ્લા ઘણાં સમયથી ભાજપ સરકારના કાર્યક્રમમાં ભીડ એકત્રિત કરવા માટે શિક્ષકો, વિદ્યાર્થીઓને આદેશ કરીને ઉપસ્થિત રહેવા ફરજ પાડવામાં આવી રહી છે. જેની સીધી અસર શૈક્ષણિક સ્તર પર પડી રહી છે. શાળા દ્વારા આ અંગે વાલીઓને જાણ કરવા માટે નોટિસમાં પણ તેમની મજબૂરી – લાચારી (Helpless) નો ઉલ્લેખ આચાર્યએ કર્યો છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note