કોંગ્રેસ પક્ષમાં જોડાતા નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા
નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા આજ રોજ કોંગ્રેસ પક્ષમાં રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પક્ષનો ખેસ પહેરાવીને વિધિવત રીતે આવકાર્યા છે. નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્માને કોંગ્રેસ પક્ષમાં ઉમળકાભેર આવકારતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, નિવૃત આઈ.પી.એસ.અધિકારી ડૉ. કુલદીપ શર્મા વર્ષો સુધી પોલીસ સેવામાં અસરકારક કામગીરી બજાવી હતી. પોલીસ તંત્રમાં જાહેર વહીવટી અનુભવ અને કાર્યક્ષમતા કોંગ્રેસ પક્ષ માટે ઉપયોગી સાબિત થશે. કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો અને દેશમાં લોકતંત્ર માટેની પ્રતિબદ્ધતાને લીધે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષશ્રી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જયારે કોંગ્રેસ પક્ષમાં ડૉ.કુલદીપ શર્મા જોડાઈ રહ્યા છે તેને આવકારું છું. રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસ પક્ષમાં જોડાયા બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં નિવૃત આઈ.પી.એસ. અધિકારી ડૉ.કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે, ૩૭ વર્ષ કરતા વધુ સમય સુધી પોલીસ સેવામાં કામગીરી કર્યા બાદ નિવૃત થયા બાદ એક વર્ષ સુધી સતત કઈ રીતે મારા અનુભવનો લાભ પ્રજા કલ્યાણ માટે કરી શકાય તે હેતુથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિધિવત રીતે જોડાઈ રહ્યો છું. કોંગ્રેસ પક્ષ દેશનો એકમાત્ર એવો પક્ષ છે જે લોકતાંત્રિક મુલ્યો અને દેશની રાષ્ટ્રીય એકતા-અખંડિતતા માટે પ્રતિબદ્ધ છે.