કોંગ્રેસ પંચાયતોમાં ચૂંટાયેલા સભ્યોનું વિશાળ સંમેલન યોજશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પરિણામોએ કોંગ્રેસને જાણે નવજીવન બક્ષ્યું છે. તાલુકા – જીલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભાજપનો સફાયો થતાં કોંગ્રેસ ફરી ગુજરાતમાં જીવંત બની છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી સોમવારે દિલ્હી હાઇકમાન્ડને મળશે. ચૂંટાયેલાં કોંગ્રેસના પ્રતિનિધીઓને રાહુલ ગાંધી માર્ગદર્શન આપશે તે માટે એક કાર્યશાળાનું આયોજન કરાયું છે તે માટે પ્રદેશ પ્રમુખ રાહુલ ગાંધીને નિમંત્રણ આપશે.
પંચાયતોમાં વિજય મળતાં કોંગ્રેસની ગ્રામિણ મત વિસ્તારોમાં મજબૂત પકકડ બની છે. હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ આવો જ દેખાવ કરે તેવું હાઇકમાન્ડ પણ ઇચ્છે છે. સોમવારે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પંચાયતોના વિજયનું પોટલું લઇને દિલ્હી જશે. ઘણાં વખત બાદ કોંગ્રેસને સફળતા મળી છે ત્યારે ચૂંટાયેલાં કોંગ્રેસીઓને કેવો વહીવટ કરવો , પ્રજા સાથે કેવી રીતે સંવાદ જાળવી રાખવો , સરકારી અધિકારી સાથે કેવી રીતે કામ કઢાવવું વગેરે બાબતોથી અવગત કરાવવામાં આવશે. આ સંમેલનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને ગુજરાત આવવા નિમંત્રણ આપવામાં આવશે. જોકે, કોંગ્રેસના ચૂંટાયેલાં પ્રતિનીધીઓ માટે એક અલગ તાલીમ વર્ગ યોજવા પણ આયોજન કરાયું છે. દિલ્હી હાઇકમાન્ડ પણ ગુજરાતમાં હવે કોંગ્રેસ વધુ મજબૂત થાય તે દિશામાં વિચારતું થયું છે. તા,૭-૮મીએ ભરતસિંહ સોલંકી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને આગામી ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીઓના મુદ્દે ચર્ચા કરશે તેવુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.આ ઉપરાંત પંચાયતો , કોર્પોરેશનોમાં વિવિધ હોદ્દાઓ પર નિમણૂંક કરવાના મામલે પણ ચર્ચા થશે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/gujarat-congress-party-sonia-gandhi-guide