કોંગ્રેસ અતિવૃષ્ટિ તથા શિક્ષણ-રોજગારી મુદ્દે હોબાળો કરશે
એક તરફ ગુજરાત સરકાર પાટીદાર અનામત આંદોલનમાંથી માર્ગ કાઢવામાં વ્યસ્ત છે ત્યારે આવતીકાલ તા. ૨૬ ઓગસ્ટથી
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસના ટૂંકા સત્રનો પ્રારંભ થઈ રહ્યો છે. પ્રથમ દિવસે કોઈ સરકારી કામકાજ નથી, માત્ર મુખ્યમંત્રી દ્વારા શોકપ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. જેમાં સુરત-ચોર્યાસીના ધારાસભ્ય સ્વ. રાજેન્દ્ર પટેલ તથા પૂર્વ રાષ્ટ્રપતિ એ. પી. જે. અબ્દુલ કલામને શ્રદ્ધાંજલિ આપી ગૃહ મુલતવી રહેશે. તા. ૨૭ ઓગસ્ટના રોજ તારાંકિત પ્રશ્નોત્તરી અને નિયમ ૧૧૬ મુજબની તાકીદની જાહેર અગત્યની બાબતમાં કોંગ્રેસના સભ્યો દ્વારા અતિવૃષ્ટિ અંગેની નોટિસ ચર્ચામાં આવશે.
ગુજરાત સરકારે બે દિવસના સત્ર દરમિયાન કુલ ૯ જેટલા સરકારી વિધેયકો દાખલ કરવા અને પસાર કરવાનું નક્કી કર્યું છે. જેથી તા. ૨૭ અને ૨૮ ઓગસ્ટના બે દિવસ માત્ર વિધેયકો પર ચર્ચા અને મતદાન રહેશે.
ગુજરાતમાં ચાલતા પાટીદાર અનામત આંદોલનને ભલે કોંગ્રેસ પક્ષ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી, પરંતુ આ મુદ્દાને ગુજરાત સરકારની શિક્ષણ અને રોજગારીના મુદ્દે નિષ્ફળતા આગળ કરી વ્યાપક રજૂઆતો દ્વારા પ્રશ્નને ઉઠાવવાનો પ્રયત્ન કરશે.
તા. ૨૭ ઓગસ્ટના રોજ કોંગ્રેસે ગાંધીનગરમાં વિધાનસભા સામે સેકટર-૬ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજ્યો છે. શક્ય છે કે ધરણા બાદ વિધાનસભા તરફ કૂચ કરવામાં આવે અને ધરપકડો વહોરવામાં આવે.
http://www.sandesh.com/article.aspx?newsid=3116181