કોંગ્રેસનું રેલ રોકો આંદોલન ઉતરાણમાં બે માલગાડી રોકી
ઉતરાણ રેલવે સ્ટેશનને બે એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ તથા અન્ય સુવિધાઓના મુદ્દે કોંગ્રેસ કાર્યકરોએ આંદોલન કરી બે માલગાડીઓ રોકી હતી. કલાકેક ચાલેલા આ કાર્યક્રમમાં આરપીએફે પાંચ કાર્યકરોની અટકાયત કરી હતી.
ગુજરાત પ્રદેશ બક્ષી પંચના ઉપપ્રમુખ કલ્પેશ બારોટે આંદોલન વિશે જણાવ્યું કે, સવારે સાડા દસેકના સુમારે ઉતરાણ રેલવે સ્ટેશને ભેગા થયેલા ઉતરાણ-અમરોલીના રહીશોએ પાટા ઉપર ઉતરીને સુરતથી આવતી માલગાડીને થોડો સમય રોકી હતી. જો કે, કોંગ્રેસની આગેવાનીમાં રેલ રોકો આંદોલન કરવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હોવાથી, પોલીસ અને આરપીએફનો સ્ટાફ બંદોબસ્તમાં હતો. કાર્યકરોએ બે માલગાડીઓ રોકી હતી. એકાદ કલાક આ કાર્યક્રમ ચાલ્યો હતો.
આ કાર્યક્રમ ઉતરાણ રેલવે સ્ટેશન ઉપર પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવાની માંગણી સાથે યોજાયો હતો. રેલવે સ્ટેશને મહિલાઓ માટે શૌચાલય નથી, પીઆરએસમાં આરપીએફનો સ્ટાફ તૈનાત ન હોવાથી એજન્ટોનું દૂષણ ખૂબ વધી ગયું છે. પ્લેટફોર્મ ઉપર જવા માટે દાદર નથી, જે આપવામાં આવે તેવી માંગ હતી.
દરમિયાનમાં, કાર્યકરો સામે બે માલગાડીઓ રોકવાના બનાવ બાબતે આરપીએફએ રેલવે કમિટીના માજી સભ્ય કલ્પેશ બારોટ અને મહેન્દ્ર સોની સહિત પાંચ જણાની અટકાયત કરી હતી. કલ્પેશ બારોટે આક્ષેપ કરતાં જણાવ્યું કે, ભૂતકાળમાં ભાજપ અગ્રણીઓએ કાર્યકરો સાથે કરેલા રેલ રોકો આંદોલન વેળા, તંત્ર દ્વારા કોઇની અટકાયત કરવામાં આવી નહોતી.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/surat-gujarat-congress-rail-movement