કોંગ્રેસની કારોબારીમાં બે તૃતીયાંશ બહુમતીથી ચૂંટણી જીતવા વ્યક્ત કરાયો નિર્ધાર

નેતા ફોન કરે એને નહિ, સ્થાનિકો કહેશે એને ટિકિટ, ભરતસિંહ-શંકરસિંહ સિવાય ત્રીજા પણ મુખ્યમંત્રી બની શકે તેમ કહેવું છે અશોક ગેહલોતનું, શહેરી-ગ્રામ્ય વિસ્તારના ચૂંટણી ઢંઢેરા અલગ અલગ : ભરતસિંહ

‘કોંગ્રેસ આવે છે’ થીમ પર ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઈ હતી, આ બેઠકમાં મુખ્યમંત્રી પદની અંદરો અંદરની લડાઈની આગને ઠારવા તેમજ કોંગ્રેસના તમામ નેતાઓએ એકજૂથ છે તેવો સંદેશો કાર્યકરોમાં પાઠવવામાં પ્રયાસ કરાયો હતો. સાથે જ ગુજરાતમાં બે તૃતીયાંશ બહુમતી સાથે જીતનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો હતો. બેઠકને સંબોધતાં નવનિયુક્ત પ્રભારી અશોક ગેહલોત સ્પષ્ટ જણાવ્યું હતું કે, ખબરદાર, કોઈના મોઢે હવે મુખ્યમંત્રી પદની વાત આવવી ન જોઈએ. જરૃરી નથી કે ભરતસિંહ સોલંકી કે શંકરસિંહ વાઘેલા મુખ્યમંત્રી બને, એ સિવાય કોઈ ત્રીજો પણ મુખ્યમંત્રી બની શકે, પણ આ બધું ચૂંટણી જીત્યા પછી, એ પણ પરંપરા મુજબ હાઈકમાન્ડ નક્કી કરશે.

અશોક ગેહલોતે બેઠકને સંબોધતાં કહ્યું કે, રાહુલ ગાંધીએ નવા પ્રભારીની ટીમને ગુજરાતની ચૂંટણી જીતવા માટે મોકલી છે. ગુજરાતમાં કોંગ્રેસ ૨૨ વર્ષથી સત્તા બહાર છે. 22 વર્ષથી કોંગ્રેસ સત્તા પર નથી, હવે મળીને કામ કરો. CM કોણ બનશે તેની ચર્ચા કરો છે તે મૂકી 22 વર્ષથી બહાર છીએ તેની ચર્ચા કરો. સરકાર બનાવ્યા પછી નક્કી કરીશું કે CM કોણ બનશે. ગુજરાતમાં ફક્ત એવી વ્યક્તિને ટિકિટ મળશે જે જીતી શકે તેમ હોય, કોઈ નેતાના ફોનથી કોઈને ટિકિટ મળી નહિ જાય, સ્થાનિક આગેવાનો કહેશે તેને જ ટિકિટ મળશે. ગુજરાતની ચૂંટણીમાં કોંગ્રેસની જીત દેશને દિશા આપવામાં ટર્નિંગ પોઈન્ટ બનવાની છે.

http://sandesh.com/congress-working-committee-meets-in-leadership-of-ashok-gehlot-in-ahmedabad-306839-2/