કેજી બેઝિનમાં ૧૭૨૯ કરોડના ખર્ચ સામે ૧૬૨ કરોડની આવક

કિષ્ણા- ગોદાવરી બેઝિનમાં રૂ.૨૦,૦૦૦ કરોડથી વધુના કૌભાંડ પછી પણ ગુજરાત સરકારે પોતાની જીએસપીસી મારફતે લાખના બાર કરવાનું ચાલુ જ ચાખ્યુ છે. બે વર્ષમાં કે. જી બેઝિન પાછળ રૂ.૧૭૨૯ કરોડ ૬૬ લાખનું જંગી રોકાણ કર્યા માંડ રૂ.૧૬૨ કરોડ ૬૦ લાખની જ આવક થયાનો ઘટસ્ફોટ વિધાનસભામાં થયો છે.

વિપક્ષના દંડક અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ કે.જી.બેઝિનના હિસ્સેદારો, ખર્ચ અને આવક સંદર્ભે ઉઠાવેલા સવાલના જવાબમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લેખિતમાં સ્વિકાર્યુ છે કે વર્ષ ૧૫-૧૬ અને ૧૬-૧૭નો હિસાબ જાહેર કર્યો છે. જેમાં જીએસપીસીએ કરેલા રૂ.૧૭૨૯ કરોડનું રોકાણમાં કૌભાંડ સાથે જોડાયેલી જીઓ ગ્લોબલ વતી જીએસપીસીએ રૂ.૧૭૨ કરોડ ૯૬ લાખ ચુકવ્યાનું પણ સ્વિકાર્યુ છે. બજેટ સત્રના છેલ્લા દિવસે સરકારે વિધાનસભામા જીએસપીસીનો ૩૮મો અહેવાલ રજૂ કર્યો હતો. તેમાં પણ રૂ.૨૦,૦૦૦ના કૌભાંડો સાથે વિપક્ષ જેનું નામ જોડે છે તે જીઓ ગ્લોબલ રિસોર્સીસ ઈન્ડીયાએ બેઝિનના દિન દયાળ એક્સટેન્શન એરિયામાં કરેલા કામો માટે જીએસપીસીએ રૂ.૧૮૫૬ કરોડનો ખર્ચ ચૂકવ્યોનો ઘટસ્ફોટ થયો છે. સરકારે પોતાની માલિકીની આ કંપનીનો ૮૦ ટકા હિસ્સો ઓએનજીસીને આપ્યો હોવા છતાંયે ખોટનો ધંધો, કૌભાંડોની હારમાળા અટકવાનું નામ લેતી નથી.

http://sandesh.com/kg-basin-1729-incision/