કાયદો-વ્યવસ્થા પડી ભાંગી, અણઘડ વહીવટ કરનાર આનંદીબેન રાજીનામું આપે : શંકરસિંહ
રાજ્યમાં વ્યાપેલી અશાંતિનો આજથી આરંભાયેલા વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે પડઘો પાડીને રાજ્ય સરકારના અણઘડ વહીવટનું પરિણામ હોવાનો આક્ષેપ કરીને મુખ્યમંત્રી આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. વિધાનસભાની શરૂઆતમાં જ કોંગ્રેસના ધારાસભ્યોએ બેનરો સાથે સૂત્રો પોકારતા અધ્યક્ષે આજે દિવંગત આત્માને શોકાંજલિ આપવાનો એજન્ડા હોવાથી પરંપરા પ્રમાણે આવી માગણી અને ઊહાપોહ ન કરવાની તાકીદ કરી હતી.
કોંગ્રેસે અધ્યક્ષની અપીલને ગ્રાહ્ય રાખી હતી, પણ વિધાનસભા પૂરી થયા પછી વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલા, શકિતસિંહ ગોહિલ સહિતના ધારાસભ્યોએ મુખ્યમંત્રીના રાજીનામાની માગણી કરી હતી. કોંગ્રેસે ગુરુવારે વિધાનસભા સામે દેખાવો કરવાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો તેને રદ કરીને હવે રાજ્યપાલને કાલે ગુરુવારે 4-30 કલાકે આવેદનપત્ર આપવામાં આવશે.
વિધાનસભા ગૃહ પૂરું થયા પછી રાજ્ય સરકારને નિષ્ફળતા ઉજાગર કરતા વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું હતું કે રાજ્યમાં અત્યારે ફેલાયેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને કાબૂમાં લેવામાં મુખ્યમંત્રી નિષ્ફળ નિવડતાં અમારા ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર-બેનરો ગૃહમાં પ્રદર્શિત કરીને આનંદીબેન પટેલનું રાજીનામું માગ્યું હતું. ભાજપની સરકાર બનાવવામાં જે સમાજનો સિંહફાળો હતો તે સમાજના લોકોના ઘરમાં ઘૂસી, બારણા તોડી, ગાડીઓ તોડી, મહિલા-બાળકો અને વૃદ્ધો પર પોલીસ તૂટી પડી હતી. પોલીસની ગુંડાગીરીનો અમે વિરોધ કરીએ છીએ અને જવાબદારો સામે પગલા ભરવાની માગણી કરીએ છીએ તેમ વાઘેલાએ કહ્યું હતું.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-GAN-OMC-congress-leader-sankarsih-vaghela-demand-cm-give-resign-for-gujarat-environment-5095566.html