ઈપીએફ પર લાગુ ટેક્સ પાછો ખેંચવા રાહુલની માગ

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે સરકાર સમક્ષ માગણી કરી હતી કે, બજેટમાં ઈપીએફના ઉપાડ પર કરવેરા નાખવાની જે જોગવાઈ કરવામાં આવી છે તેને દૂર કરવામાં આવે. રાહુલે જણાવ્યું કે, ઈપીએફ કર્મચારીઓની સુરક્ષા માટે હોય છે. તેના પર ટેક્સ લગાવવો અયોગ્ય છે. હું વડાપ્રધાનને વિનંતી કરું છું કે તેઓ આ ટેક્સ પાછો ખેંચવાની જાહેરાત કરે. બીજી તરફ નાણામંત્રી દ્વારા બજેટ દરમિયાન કાળાનાણા અંગે કરવામાં આવેલી જાહેરાતની પણ તેમણે મજાક ઉડાવી હતી. રાહુલે જણાવ્યું કે, આવા ચોર લોકોને રાહત આપવા કરતા નોકરીયાતો અને કર્મચારીઓને રાહત આપવી જોઈએ.

બીજી તરફ નાણામંત્રી અરુણ જેટલી દ્વારા લોકસભામાં આધાર બિલ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ શુક્રવારે પાસ થાય તેવી શક્યતાઓ છે. રાજ્યસભામાં પોતાના કેટલાક મહત્ત્વાકાંક્ષી બિલો અટકી ગયા હોવાથી કેન્દ્ર સરકાર દ્વારા આધાર બિલને મની બિલ તરીકે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મની બિલ તરીકે આધાર બિલને રજૂ કરવાથી સરકારને ખાસ મુશ્કેલી જણાશે નહીં.

http://www.sandesh.com/article.aspx?newsid=3237408