આણંદ ખાતે આયોજીત જાહેરસભા
આણંદ જીલ્લામાં સીન્હોલ, ખંભાત, પંડોળી, પેટલાદ ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચુંટણી પ્રચાર માટે સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, જન વિશ્વાસ-જન સમર્થન-જન આશીર્વાદથી ઉર્જા મંત્રી, રેલ્વે મંત્રી, પીવાના પાણી અને શૌચાલય મંત્રાલયનો કાર્યભાર સંભાળ્યો. ૨૬મી નવેમ્બર મારો જન્મ દિવસે હું બે હાથ જોડીને વિનંતી કરું છું કે, તમારા આશીર્વાદ કોંગ્રેસ પક્ષને મળે. આજે સંવિધાનનો દિવસ છે એટલે કે બંધારણનો દિવસ છે. સમગ્ર વિશ્વમાં ડૉ.બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલ બંધારણ સર્વશ્રેષ્ઠ છે. આપણું બંધારણ સૌને સમાનતાની તક આપે છે. પૂજ્ય મહાત્મા ગાંધી, પંડિત જવાહરલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના નેતૃત્વમાં અંગ્રેજોની સામે લડત આપીને ભારત દેશને આઝાદ કર્યો. આપણું રાજ કાયદો-વ્યવસ્થાની બંધારણમાં જોગવાઈ થઈ. લોકો વડે અને લોકોનું રાજ થયું. બંધારણનો વિરોધ કરનારા લોકો, જેને લેવા દેવા નહી એ ગુજરાત અને દેશનો વહીવટ કરે છે. ગરીબ, મધ્યમ અને સામાન્યવર્ગના નાગરિકોને મતનો અધિકાર આપ્યો. તમે જ રાજ કરો, જીલ્લા, તાલુકા, મહાનગરનું રાજ કરો એ અધિકાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે જ આપ્યો છે. પંચાયતી રાજ દ્વારા ગ્રામ્ય વિકાસની ભાવના સાથે આદિવાસી, દલિત તમામને અધિકાર માટે સ્વ.શ્રી રાજીવ ગાંધીએ બંધારણમાં સુધારો કરીને સત્તાના ભાગીદાર બનાવ્યા. જેના લીધે લોકશાહીનું નવસર્જન થયું.