અહંકારી,ભ્રષ્ટાચારી ભાજપનો પરાજય થયો છે : ભરત સોલંકી

બિહાર ચૂંટણીના પરિણામોનું ગુજરાતમાં પુનરાવર્તન થશે

ગુજરાતના મતદાતા કોંગ્રેસને મત આપીને દેવદિવાળીની ઉજવણી કરશે  બિહારના મતદારોએ ભાજપની ભ્રામકતાનો પરપોટો ફોડી નાંખ્યો છે

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનને મળેલા ભવ્ય વિજયને ગુજરાત પ્રદેશ કોંગ્રેસે વધાવ્યો છે.અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિના અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે બિહારના મતદાતાઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે, કોંગ્રેસ,આરજેડી અને જેડીયુના આગેવાનો -કાર્યકરોે રાત દિવસ મહેનત કરી તે અભિનંદનને પાત્ર છે. તેમણે બિહારના મતદારોએ મહાગઠબંધન પર મૂકેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

બિહારની ચૂંટણીમાં મહાગઠબંધનને મળેલી જીત બાદ પ્રતિક્રિયા આપતાં પ્રદેશ કોગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે,બેફામ નિવેદનબાજી ,અહંકારી ,ભ્રષ્ટાચારી ભાજપનો પરાજય થયો છે.જે મુદ્દા સાથે વાત થવી જોઇએ તેના બદલે ભાજપે લોભ,લાલચ અને ભય દેખાડીને ચૂંટણી જીતવાનો પ્રયાસ કર્યો હતો. બિહારમાં પરાજય માટે મોંઘવારી અને ભ્રષ્ટાચાર પણ જવાબદાર છે.
તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે,બિહારની ચૂંટણી પરિણામનું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમા ચોક્કસપણે પુનરાવર્તન થશે તેમાં શંકાને સ્થાન નથી. ભાજપ અને દિવાળી પહેલાંની આ સાફસફાઇ છે. ગુજરાતના મતદારો કોંગ્રેસને મત આપીને દેવદિવાળીએ દિવાળી ઉજવશે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/congress-bjp-narendra-modi-bihar-gujarat-bharat-solanki-result