અસહ્ય મોંઘવારીથી સામાન્ય માનવીઓની આત્મહત્યા સામે નિષ્ઠુર ભાજપ સરકારની યોગમુદ્રા : ડૉ. હિમાંશુ પટેલ

મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સત્તા મેળવનાર ભાજપ સરકારની યોગ મુદ્રાના કારણે આર્થિક ભીસમાં મુકાયેલા સામાન્ય માનવી આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે પ્રજાને ભાજપનો કોઈ ભય રાખ્યા વિના મોંઘવારી સામે રોડ પર ઉતરી આવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે હાંકલ કરી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડૉ. હિમાંશુ પટેલે જણાવ્યું છે કે, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દે સત્તા પર આવેલી ભાજપ સરકારે અચ્છે દિનના આપેલા વચન પોકળ પૂરવાર થયા છે. આમ છતાં યોગમુદ્રામાં મુકાયેલી ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે મોંઘવારી અને રોજગારી જેવા પ્રશ્નો સામે આંખ આડા કાન કરતાં સામાન્ય માનવીની હિંમત તૂટી ગઇ છે.

પરિણામે રાજ્યના પાટનગર ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યમાં મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણના બોજના કારણે આત્મહત્યા કરનાર ભાઈ-બહેનોની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે. અચ્છે દિનના વાયદા કરનારી ભાજપ સરકારની રહેમનજરના કારણે પેટ્રોલ – ડીઝલ, ગેસ, વીજળી વગેરેના ભાવો આસમાને અડી રહ્યા છે. જ્યારે શાકભાજી અને કઠોળના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હોવા છતાં આ નઠોર સરકાર યોગદિન જેવા ઉત્સવોની ઉજવણીમાં વ્યસ્ત રહે છે તે ખૂબ જ શરમજનક છે.

ભાજપ સરકાર દ્વારા વિકાસના બણગાં ફૂંકવા સાથે આર્થિક વિકાસ દર 7 થી 8 ટકા રહેવાના પોકળ દાવા કરવામાં આવી રહ્યા છે. જે હાલની પરિસ્થિતિમાં ભ્રામક આંકડા હોવા સાથે વાસ્તવિક્તા એ છે કે ફુગાવાનો દર 6 થી 7 ટકાને સ્પર્શી રહ્યો છે. આમ છતાં ઉડતા પી.એમ.ને સામાન્ય નાગરિકની હાલાકીની કોઈ જ પડી નથી.

 

http://www.vishvagujarat.com/against-inflation-and-suicides-of-common-people-insensitive-bjp-government-is-doing-yoga/