અશાંત પરિસ્થિતિમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા કોંગ્રેસની માગ

કોંગ્રેસ સમયસર ચૂંટણી કરાવવા હાઈકોર્ટમાં જશે

રાજ્ય ચૂંટણીપંચ હિઝ માસ્ટર્સ વોઈસ જેવું બની ગયું છે : શંકરસિંહ

હાર થાય તો છબી ખરડાય માટે પી.એમ.એ સી.એમ. પાસે બધું આઘું પાછું કરાવ્યું પરંતુ હાર તો નિશ્ચિત જ છે. બકરે કી મા કબતક ખેર મનાયેગી

 


પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયસર થાય તે માટે કોંગ્રેસ તમામ પ્રકારની કાર્યવાહી કરશે. કોર્ટમાં જવું પડશે તો પણ જઈશું. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અનાવૃષ્ટિ કે અતિવૃષ્ટિ જેવા ખાસ સંજોગોમાં જ રોકી શકાય છે. એ સિવાય બંધારણીય રીતે ચૂંટણીઓ રોકી શકાતી નથી. અચાનક જ વટહુકમ દ્વારા ચૂંટણી પંચને ચૂંટણી યોજવાની સત્તા આપવામાં આવે અને એ જ દિવસે ચૂંટણી પંચ રાજ્યના કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરે અને તરત જ મુક્ત અને ન્યાયી ચૂંટણી માટે શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું ન થાય ત્યાં સુધી મુલતવી રાખવાની જાહેરાત કરે છે. ભાજપની હાર નિશ્ચિત છે અને તેની અસર બિહારની ચૂંટણીઓ પર પડે તેમ લાગતાં ચૂંટણીઓ મુલતવી રાખી છે. તા.૨૬ ઓગસ્ટ વિધાનસભા ગૃહ મળ્યું ત્યારે અમારા સભ્યોને ૨૫ ઓગસ્ટની ઘટના અંગે ચર્ચા કરવા ન દીધી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પાછી ઠેલવા અંગે જાહેર થયેલા વટહુકમને કોંગ્રેસના નેતાઓએ વખોડી કાઢી ચૂંટણીમાં સામે દેખાતા પરાજયને કારણે ભાજપ સરકારે આ પ્રજાના અધિકારો છીનવી લેવાનો આદેશ બહાર પાડયો હોવાનો આક્ષેપ કર્યો છે. આજે પત્રકારો સાથેની વાતચીતમાં વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ગોધરા કાંડ પછી જો ૨૦૦૨માં ચૂંટણી યોજી શકાતી હોય અને આજે જો તેના કરતાં પણ ગુજરાતમાં ખરાબ પરિસ્થિતિ હોય તો મુખ્યમંત્રી રાજધર્મ બજાવે અને વિધાનસભા ભંગ કરી રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરે.

તેમણે જણાવ્યું હતું કે ભાજપ સરકારના બેવડા ધોરણો (ડબલ સ્ટાન્ડર્ડ) દેખાઈ આવે છે. ૨૦૦૨ની સાલમાં અત્યારના પી.એમ.અહીં સી.એમ. હતા એ વખતે ગોધરા રાઈટસમાં ત્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ચૂંટણી કમિશનર લિંગદોહને પત્ર લખી જણાવ્યું હતું કે ગુજરાતમાં સંપૂર્ણ શાંતિ પ્રવર્તે છે. રથયાત્રા શાંતિથી પસાર થઈ છે. ધોરણ ૧૦-૧૨ની પરીક્ષાઓ લઈ શકાઈ છે. મોહરમમાં તાજિયાનું જુલૂસ શાંતિથી પસાર થયું છે. ચૂંટણી બંધ રાખવા માટે કોઈ કારણ નથી. તો શું આજે ગોધરાના એ દિવસો કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે? જો હા, તો સીધો રાજધર્મ બજાવો. વિધાનસભા ભંગ કરી દો અને જો ના હોય તો ચૂંટણી આપી દો. આજે પણ બધા તહેવારો ઊજવાય છે, પરીક્ષાઓ લેવાય છે. તો પછી એક જ દિવસમાં બબ્બે વખત સહીઓ કરીને વટહુકમ શા માટે?

વાઘેલાએ જણાવ્યું કે ભાજપની હાર તો નિશ્ચિત જ છે અને ભાજપની ગુજરાતમાં હાર થાય તો વડા પ્રધાનની છબી ખરડાય. માટે પીએમ એ સી.એમ. પાસે આ બધુ આડુ અવળુ કરાવ્યું છે. પરંતુ બકરે કી મા કબ તક ખેર મનાયેગી!

http://www.sandesh.com/article.aspx?newsid=3142181