હાલ સમગ્ર દેશમાં મુખ્ય મુદ્દો વોટ ચોરીનો જ છેઃ રાહુલ ગાંધી

જૂનાગઢ, : આજે કેશોદ એરપોર્ટ પર લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ‘હાલ સમગ્ર દેશમાં વોટ ચોરી મુખ્ય મુદ્દો છે. મહારાષ્ટ્ર, હરિયાણામાં ચૂંટણી ચોરી અમે બતાવી હતી. બધી જગ્યાએ વોટ ચોરી થઈ રહી છે.’ બાદમાં તેમણે જૂનાગઢના ભવનાથમાં પ્રશિક્ષણ શિબિરમાં હાજર રહી જિલ્લા શહેર પ્રમુખોને નેતૃત્વ-સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા હતા.

ભવનાથમાં ત્રણ દિવસથી કોંગ્રેસની સંગઠન સૃજન પ્રશિક્ષણ શિબિર ચાલી રહી છે. આજે લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના અગ્રણી રાહુલ ગાંધી હવાઈ માર્ગે કેશોદ એરપોર્ટ પર આવ્યા હતા. જ્યાં તેમણે વોટ ચોરી બાબતે કહ્યું કે, ‘બધી જગ્યાએ મતની ચોરી થઈ રહી છે, લોકોએ જાગૃત થવાની જરૂરિયાત છે.’ વડાપ્રધાન આજે મણીપુર ગયા એ અંગેના સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ‘મણીપુરમાં ઘણા લાંબા સમયથી હિંસાનો પ્રશ્ન છે, છેક હવે વડાપ્રધાન મણીપુર ગયા છે.’

કેશોદથી રાહુલ ગાંધી મોટર માર્ગે જૂનાગઢના ભવનાથમાં આવેલા પ્રેરણાધામ ખાતે શિબિર સ્થળે પહોંચ્યા હતા. શિબિરમાં લગભગ સાડા ત્રણ કલાક સુધી ગુજરાતભરના શહેર તથા જિલ્લા પ્રમુખો અને અન્ય અગ્રણીઓને તેમણે નેતૃત્વ અને સંગઠન મજબુત કરવાના પાઠ ભણાવ્યા એ દરમિયાન માત્ર ચૂંટણી વખતે જ નહીં બલ્કે સતત લોકો સાથેનો સંપર્ક જાળવી રાખવા પર ભાર મુકતાં ઉમેર્યું કે ‘વૃક્ષની જેમ સાતત્યનો ગુણ કેળવવો આવશ્યક છે. દેશભરમાં કોંગ્રેસ એક બૃહદ પરિવાર છે, કોંગ્રેસના સૈનિકોએ જનતાનાં દિલ સાથે જોડાવાનું છે, પદ અને પ્રતિષ્ઠાના ઘમંડને ઓગાળવાની બાબત સ્વીકારી શકાય તો લોકોની નજીક જઈ શકીએ છીએ. અમુક લોકો માત્ર સત્તા માટે જ રાજનીતિ કરે છે જ્યારે કોંગ્રેસ દેશ અને દેશવાસીઓ માટે રાજનીતિ કરે છે.’ આર્થિક, સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક પ્રકારના જે અન્યાય છે તેમાં કાર્યકરોની શું ભૂમિકા છે અને તે અન્યાય કેવી રીતે નિવારી શકાય તે અંગે વાત કરી હતી. સાંજે 7 વાગ્યા બાદ પ્રશિક્ષણ શિબિર સંપન્ન થતા રાહુલ ગાંધી મોટર માર્ગે કેશોદ અને ત્યાંથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

Read More

https://www.gujaratsamachar.com/news/gujarat/the-main-issue-across-the-country-right-now-is-vote-theft-rahul-gandhi