સ્થાન વહેંચણીમાં સરકાર અસહિષ્ણુ: શંકરસિંહ

ભાજપની અસહિષ્ણુ સરકારે છેલ્લા વર્ષોમાં વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરપદથી માંડીને મહાનગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતો અને તેની વિવિધ કમિટીઓમાં પ્રોરેટા પ્રમાણે વિરોધપક્ષ કોંગ્રેસને સ્થાન આપ્યું નથી. તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં મહાપાલિકામાં ભાજપ પ્રોરેટા મુજબ કોંગ્રેસને સ્થાન આપવાની પહેલ કરે તો તાલુકા, જિલ્લા પંચાયતોમાં કોંગ્રેસ ભાજપને સ્થાન આપશે એમ, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું છે.

કેટલીયે સ્થા.સ્વ.ની સંસ્થાઓમાં અવૈજ્ઞાનિક પદ્ધતિને કારણે સરખી બેઠક મળવાને કારણે ટાઈ પડી છે, ભવિષ્યમાં આનું પુનરાવર્તન ન થાય તે માટે એકી સંખ્યામાં બોર્ડ બનાવવાનું સૂચન વિરોધપક્ષના નેતાએ કર્યું છે.

વિપક્ષના નેતાએ જણાવ્યું છે કે, ચૂંટણી પંચ સ્વાયત્ત હોવાથી પક્ષાપક્ષીથી પર રહીને મતદાનના આકડાં સમયસર જાહેર કરી ગેઝેટ પ્રસિદ્ધ કરે છે પરંતુ ગુજરાતમાં ભાજપની ભૂંડી હારને પગલે સરકારના ઈશારે ચૂંટણી પંચ અને વિકાસ કમિશનર તથા સરકારી તંત્ર ઈરાદાપૂર્વક ચૂંટણી પછીની પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યો છે. સ્થા.સ્વ.ની ચૂંટણીમાં ભાજપ વિધાનસભા ક્ષેત્રમાં લઘુમતીમાં મૂકાઈ ગયો છે ત્યારે નૈતિકતાથી હારનો સ્વીકાર કરવાને બદલે ફટાકડા ફોડીને ‘ફેસ સેવિંગ’ કરી રહ્યો છે. ગામડાં ઉપરાંત શહેરોમાં પણ ભાજપનો જનાધાર ઘટ્યો છે ત્યારે શહેરોમાં વધુ ઘટાડો ન થાય તે માટે વિરોધમાં પડનારાઓના મતદારયાદીમાંથી નામ ડીલીટ કરવા, ફોર્મ ચકાસણીમાં કોંગ્રેસના ઉમેદવારોને ગેરલાયક ઠેરવવા અને છેલ્લા એક કલાકમાં ૨૦ ટકા મતદાન કરાવવા જેવી ઘટનાઓ શંકાસ્પદ છે.

તેમણે જણાવ્યું કે, જ્યાં ટાઈ પડી છે ત્યાં સરકાર સત્તાનો દુરુપયોગ કરીને તોડ-ફોડ, લોભ-લાલચ અને પ્રલોભન આપીને સત્તા મેળવવાના પ્રયાસો આદર્યા છે. જો કે, કોંગ્રેસ સત્તા મેળવવા માટે લોભ-લાલચ આપશે નહીં અને લોકચુકાદો માથે ચડાવીને વિપક્ષ તરીકેની જવાબદારી નિભાવશે.

http://epaper.navgujaratsamay.com/details/12196-27451-2.html