સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પાસેથી ભાજપે છીનવેલી સત્તા કોંગ્રેસ પાછી અપાવશે

કોંગ્રેસ પક્ષ દ્વારા આજે તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી માટે ૨૦ મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો ‘પંચાયતનું નવસર્જન’ નામથી બહાર પાડયો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારોને જણાવ્યું હતું કે ૧૯૬૩માં બળવંતરાય મહેતાએ દેશમાં પ્રથમ પંચાયતી રાજનો વિચાર અમલમાં મૂક્યો. ગુજરાતની સફળતા બાદ સ્વ. રાજીવ ગાંધી વડા પ્રધાન હતા ત્યારે તેમણે સમગ્ર દેશમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ માટે બંધારણમાં સુધારો લાવી ગ્રામીણ ઉત્થાન માટે મહત્ત્વનું કદમ ઉઠાવ્યું હતું. જેમાં ૩૩ ટકા મહિલા અનામત ઉપરાંત પાંચ વર્ષે ફરજિયાત ચૂંટણીની જોગવાઈ કરી હતી. પરંતુ છેલ્લા ૨૦ વર્ષના ભાજપના શાસનમાં દેશને પંચાયતી રાજનો વિચાર આપનારા ગુજરાતની એવી સ્થિતિ કરી છે કે દેશમાં ૧૮માં ક્રમે ધકેલાઈ ગયું છે.

તેમણે જણાવ્યું હતું કે પંચાયતી રાજનો મૂળભૂત હેતુ ગ્રામ વિકાસથી રાષ્ટ્ર વિકાસનો હતો.

ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં એસ.સી., એસ.ટી. અને ઓ.બી. સી. સમાજને સરપંચ અને પ્રમુખ બનવાની તક મળતાં આ સમાજ મુખ્ય ધારામાં રહે અને સંકલિત વિકાસ થઈ શકે. ભાજપ સરકાર દ્વારા આ માધ્યમને સદંતર તોડી નાખવામાં આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની સત્તા ભાજપ સરકારે છીનવી લીધી છે. તે કોંગ્રેસ પાછી અપાવશે. બદલી ખરીદી વગેરે વિકેન્દ્રીદરણના બદલે કેન્દ્રીકરણ કરી નાખવામાં આવ્યું છે. કોંગ્રેસ આ સત્તા પરત આપશે. આજે ગામડાઓ ભાંગી રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, પાણી અને એસ.ટી. બસની સુવિધાઓ સાથે વધવાના બદલે ઘટી રહ્યા છે. અંબાજીથી ઊંમરગામ સુધીના પટ્ટામાં ૧૦ હજાર શિક્ષકોની ઘટ છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3180440