સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનું શસ્ત્ર સજાવ્યું
આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો ધમધમાટ કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે જોવા મળી રહ્યો છે. સતત કોઇને કોઇ નવા કાર્યક્રમોની જાહેરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી દ્વારા અપાઇ રહી છે અને હવે વેબસાઇટને પુનર્જિવિત કરવામાં આવી છે. ખાસ કરીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ માટે ‘IT'(ઇન્ફોર્મેશન ટેકનોલોજી) એક આગવું શસ્ત્ર બની રહે તેવા આયોજનો હાથ ધરાયા છે. શનિવારે ગુજરાત કોંગ્રેસની નવી વેબસાઇટ લોન્ચ કરાઇ હતી, તેની સાથે સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં સોશિયલ મીડિયાનો મહત્તમ ઉપયોગ કરવાની હાકલ પણ કોંગ્રેસના યુવાનો અને IT સેલના સંયોજકોને કરવામાં આવી હતી.
કોંગ્રેસની અગાઉની વેબસાઇટની સામે નવી વેબસાઇટ વધુ યુઝર્સ ફ્રેન્ડલી હોવાનો દાવો કરાઇ રહ્યો છે. આ વેબસાઇટને વધુ આકર્ષક પણ બનાવવાના પ્રયત્નો કરાયા છે. તેમાં કોંગ્રેસ પક્ષના સંગઠનની માહિતી, આગામી કાર્યક્રમોની વિગતો, સભ્ય માટે ઓનલાઇન નોંધણીની સુવિધા ઉપરાંત પ્રવર્તમાન ગુજરાતની રાજકીય સ્થિતિને પણ દર્શાવવામાં આવી છે. જો કે, વેબસાઇટને નવા કલેવર સાથે લોન્ચ કરવાનો મુખ્ય આશય તો ચૂંટણીમાં ભાજપને પછડાટ આપવાનો છે. પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે,’આ નવી વેબસાઇટનો આશય મિશન-૨૦૧૭ છે. કોંગ્રેસના ‘નવસર્જન ગુજરાત’ના લક્ષ્યાંકને સર કરવામાં આ વેબસાઇટ ખૂબ મદદરૂપ બની રહેશે.’ જો કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આ વેબસાઇટના માધ્યમથી કોંગ્રેસ જનતા સુધી કેવી રીતે પહોંચી શકશે તે અંગેના કોઇ નિર્દેશ આપવામાં આવ્યો નથી.
http://navgujaratsamay.indiatimes.com/ahmedabad/politics/Congress-sharpen-IT-tool-to-fight-next-elections-in-Gujarat/articleshow/48321572.cms