સીમાંકનના વિસ્તારને બદલે અનામત બદલાતાં કોંગ્રેસનો વિરોધ
સુરત જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકનને અકબંધ રહ્યા હોવા છતાં આજે એકસામટી ૧૪ બેઠકોનો અનામત ક્રમ બદલાઈ ગયો હતો. આશ્ચર્યની બાબત એ છે કે, સીમાંકન દરમિયાન આ રોટેશન બદલવા માટે બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કોઈ રજૂઆત કે ફરિયાદ કરાઈ નહીં હોવા છતાં આ ફેરફાર કરાતા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા દર્શન નાયકની વધુ એક સંભવિત બેઠક ઉપર સામાન્ય પુરુષથી બદલાઈને સ્ત્રી કરી દેવાઈ છે. ૧૪ બેઠકોના અનામત ક્રમમાં ભાજપના જ અનિલ પટેલ (કંટાળી)ની બેઠક પણ સ્ત્રી થઈ છે. જ્યારે સુરેશ ચૌધરીની બેઠક પણ સ્ત્રી બની જતાં ભાજપમાં પણ ખળભળાટ શરૂ થયો છે. આ ઉપરાંત પલસાણા તાલુકાની જિલ્લા પંચાયતની ત્રણે બેઠકો મહિલાઓ માટે અનામત બની ગઈ છે. જેને કારણે તાલુકામાં ક્યાંય પણ અનામત જળવાતું નથી. તાલુકાની ચલથાણ, કારેલી અને પલસાણા એમ ત્રણે બેઠક પૈકી એકમાં પણ પુરુષને સ્થાન નથી. આ ફેરફારને કારણે વિરોધ પક્ષના નેતા દર્શન નાયક અગાઉ દેલાડ બેઠક અનામતમાં ગયા બાદ સાયણ ઉપરથી ઝંપલાવે એમ જણાઈ રહ્યું હતું, પરંતુ સાયણ બેઠકનો અનામત ક્રમ પણ બદલાઈ જતાં તેમને માટે રસ્તો વધુ મુશ્કેલ બનાવાયો હોવાનું જણાઈ રહ્યું છે. અનામત ક્રમ બદલવા સામે કોંગ્રેસે ભારે વિરોધ કર્યો છે અને ચૂંટણીપંચ રાજકીય પક્ષના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ કર્યો છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દર્શન નાયકે જણાવ્યું હતું કે, પંચાયતની રચનાના ઈતિહાસમાં આ રીતે અનામત ક્રમ બદલાયો નથી. વિસ્તાર માટે સુધારા સૂચવાયા હતા પરંતુ બંને પક્ષો દ્વારા અનામત અંગે કોઈ વિરોધ કે રજૂઆત કરાઈ નથી. આમ છતાં કઈ રીતે આ ક્રમ ફેરવી દેવાતા કોંગ્રેસ વિરોધ કરશે તેમજ પ્રદેશકક્ષાએ ચર્ચા બાદ કોર્ટમાં જવાનો વિકલ્પ પણ તપાસી રહી છે.
http://www.sandesh.com/article.aspx?newsid=3111042