સરકાર ખેડૂતોની જમીન ઝૂંટવી ઉદ્યોગપતિઓને આપે છે : રાહુલ ગાંધી
ઓરિસ્સાના બે દિવસીય પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર શાબ્દિક ચાબખા વરસાવ્યા હતા. પશ્ચિમી ઓરિસ્સાના બેદહાલ ગામે ‘કિસાન બચાઓ પદયાત્રા’ દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદી સરકાર ગરીબ ખેડૂતોની જમીન ઝૂંટવીને માલેતુજાર કોર્પોરેટ હાઉસિસને આપી રહી છે. ખેડૂતોની સ્થિતિ કફોડી છે તેમાં સુધારો કરવા માટે સરકાર કશું જ કરી રહી નથી, તે ઉપરાંત તેમની જમીન ઝૂંટવીને તેમનો અભિપ્રાય કે મરજી જાણ્યા વગર જ ઉદ્યોગપતિઓને આપી રહી છે.
ખેડૂતોના ‘અચ્છે દિન‘ ક્યાં છે ?
વડા પ્રધાન દ્વારા કોંગ્રેસ પર કરાયેલા શાબ્દિક હુમલા બાદ જવાબ વાળતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, મોદીજી વાયદા કરવામાં પાવરધા છે પણ તેને પૂરા કરવામાં નહીં. ચૂંટણી સમયે અચ્છે દિન લાવવાની બાંગો પોકારતા હતા અને વડા પ્રધાન બન્યા પછી તેઓ બે દિવસમાં જ તેમને ભૂલી ગયા, તેઓ ફરી ક્યારેય આ તરફ ફરક્યા નથી.
http://www.sandesh.com/article.aspx?newsid=3132357