સરકારી વીજ કંપનીઓ મીટર ભાડાના નામે લૂંટ ચલાવે છે : કોંગ્રેસ

વાર્ષિક ૪૨૭ કરોડની કમાણી : મીટર સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ ભાજપના પૂર્વ મંત્રીનો છે

ગુજરાત સરકારની ચાર વીજ કંપનીઓ મીટર ભાડા પેટે નાગરિકો પાસેથી રૃા. ૪૨૭ કરોડની વસૂલાત કરે છે તેને ‘લૂંટ’ ગણાવી પ્રદેશ કોંગ્રેસે માગણી કરી છે કે આવી વસૂલાત તાકીદે બંધ કરવી જોઈએ.

પ્રદેશ કોંગ્રેસની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ચાર વીજકંપનીઓના ૨,૦૫,૯૫,૧૪૧ મીટર છે અને તે વર્ષે દહાડે ૪૨૭.૬૩ કરોડ જેટલી રકમ મીટરભાડા તરીકે વસૂલ કરે છે અને કંપનીઓ નફાખોરી કરે છે. ૨૦૦૫થી જીઈબીનું ચાર વીજ કંપનીઓમાં વિભાજન કરાયું છે અને તે પછીથી અત્યાર સુધીમાં રૃા. ૧૭,૧૦,૫૫,૯૮,૨૪૦ મીટર ભાડા તરીકે ઉઘરાવી ચૂકી છે. કોઈ કંપની પોતાની ચીજવસ્તુઓ વેચે અને વપરાશકાર એનો કેટલો ઉપયોગ કરે છે તેની ગણતરી કરવાના સાધન માટે ભાડુ વસૂલ કરે એ ક્યાંનો ન્યાય એવો પ્રશ્ન પ્રદેશ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ ઉઠાવ્યો છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો છે કે વીજકંપનીઓની વીજમીટરો સપ્લાય કરવાનું કામનો ભાજપના એક પૂર્વ મંત્રીનો કોન્ટ્રાક્ટ છે. આ બાબતની તત્કાળ તપાસ કરી શ્વેતપત્ર બહાર પાડવું જોઈએ.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/ahmedabad-gujarat-congress-utilities-meter-rental