શ્રમ-રોજગારમાં ચાલતા ભ્રષ્ટાચારની તપાસ કરો : કોંગ્રેસ
કૌશલ્યવર્ધન કેન્દ્રોના કર્મચારીઓને માત્ર ૫૦ ટકા પગાર જ ચૂકવાય છે
સરકારની મળતિયા આઉટસોર્સિંગ એજન્સીઓ દર મહિને બે કરોડથી વધુનો નફો ઘરભેગો કરે છે
ગુજરાતની ભાજપ સરકાર દ્વારા શ્રમ અને રોજગાર વિભાગ હેઠળના ૫૦૦ કૌશલ્યવર્ધન કેન્દ્રોમાં (KVK) માટે કાર્યરત ફેકલ્ટી સીક્યુરીટી અને સ્વીપરને આઉટસોર્સીંગ એજન્સીઓ માત્ર ૫૦ ટકા જ પગાર ચૂકવી રહી છે. સરકારની આવી મળતળીયા એજન્સીઓ દર મહિને બે કરોડથી વધુનો નફો ઘરભેગો કરીને નાના કર્મચારીઓનું શોષણ કરી રહી છે. આવા ભ્રષ્ટાચારની તપાસ કરવાની માગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ જણાવ્યું કે આવા કેન્દ્રોમાં કામ કરતાં કર્મચારીઓ અને તેના પરિવારો આર્થિક સંકડામણનો ભોગ બન્યા છે. તેમના હક્કના આપવાના થતા નાણા તુરંત ચૂકવી આપવા જોઇએ. સામાન્ય તથા મધ્યવર્ગના યુવાનોને તાલીમ અને રોજગાર મળી રહે તેવા હેતુથી તત્કાલીન વડાપ્રધાન ડૉ.મનમોહનસિંહની સીધી દેખરેખ હેઠળ સ્કીમ ડેવલપમેન્ટ મિશનની રચના કરાઇ હતી. તે દિશામાં વધુને વધુ કામ કરવા માટે દરેક રાજ્યને નાણાંની ફાળવણી પણ કરાઇ હતી.પરંતુ ગુજરાત સરકારે વધુમાં વધુ ભ્રષ્ટાચાર થાય તેવું સ્વંય કૌશલ્ય પ્રાપ્ત કરી લીધું છે. કૌશલ્યવર્ધન કેન્દ્રોની સ્થાપનામાં જરૃરી મશીનરી ખરીદીમાં અને આઉટસોર્સિંગમાં અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરોની મિલિભગતથી કરોડો રૃપિયાનો ભ્રષ્ટાચાર થયો છે. રાજ્યના એક કેબીનેટ મંત્રીની ભલામણથી શ્રમ અને રોજગાર વિભાગે આઉટસોર્સિંગ એજન્સી તરીકે જે કોન્ટ્રાક્ટ હતો એ એજન્સીએ મોટાપાયે ભ્રષ્ટાચાર કર્યો હતો. જે અંગેની ફરીયાદ થતા અને પુરાવાઓ મળતા આ એજન્સીને બ્લેકલિસ્ટ કરવાની ફરજ સરકારને પડી છે.દરેક કૌશલ્યકેન્દ્રમાં ફેકલ્ટી, સીક્યુરીટી, સ્વીપર સહિત કુલ ૯ કર્મચારી માટે દર મહિને રૃા.૭૭૮૮૮માંથી કર્મચારીઓને માત્ર રૃા.૩૫૦૦૦નો જ પગાર ચૂકવવામાં આવે છે. રાજ્યમાં કુલ ૫૦૦ કેન્દ્રોને ચૂકવવાપાત્ર પગાર રૃા.૧.૭૫ કરોડ છે. સરકાર દ્વારા એજન્સીને દર મહિને ૩.૮૯ કરોડ રૃપિયા ચૂકવાય છે. આમ એજન્સી દર મહિને ૨.૧૪ કરોડથી વધુનું રકમ ઘરભેગી કરી રહી છે. શ્રમ અને રોજગાર વિભાગમાં વિવિધ ખરીદીમાં ટેન્ડર અને કોન્ટ્રાક્ટ આપવામાં પણ ભારે ભ્રષ્ટાચાર ચાલતો હોઇ તેની તપાસ કરવાની માગણી કોંગ્રેસે કરી છે.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/fall-congress-of-employment-to-labor-running-corruption-investigation