વોર્ડની સમસ્યાઓ અને તંત્રની નિષ્ફળતા વોર્ડમાં છતી કરતી કોંગ્રેસ

ગુજરાતપ્રદેશ કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકાની ચૂંટણીઓના પ્રચારનો આરંભ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં રાજ્ય સરકારની નિષ્ફળતાને રજૂ કરતો રથ દરેક વોર્ડમાં ફેરવવામાં આવી રહ્યો છે, હાલમાં અમદાવાદના વિવિધ વોર્ડમાં મોંઘવારીનો રથ ફરે છે અને આગામી દિવસોમાં રાજ્યના અન્ય મહાનગરપાલિકા વિસ્તારમાં ફેરવવામાં આવશે. અમદાવાદમાં ફરતા રથમાં સ્થાનિક પ્રશ્નોને લઇને પણ લોકોએ રજૂઆત કરતા કોંગ્રેસ સ્થાનિક તંત્રની નિષ્ફળતાઓ બાબતે પણ લડત આપવાની હૈયાધારણા લોકોને આપી છે.

અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા હાલમાં દરરોજ રાજ્યની નિષ્ફળતા સાથે સ્થાનિક તંત્રની નિષ્ફળતાને વ્યક્ત કરતો રથ ફેરવવામાં આવી રહ્યો છે. દરરોજના વોર્ડમાં સ્થાનિક નેતાઓ રથને લઇને નીકળી રહ્યા છે તેમ શહેર પ્રમુખ ચેતન રાવલે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આજે અમદાવાદના પશ્વિમ વિસ્તારના થલતેજ સહિતના વિસ્તારમાં સ્થાનિક આગેવાન મુકેશ પંચાલના માર્ગદર્શન હેઠળ રથ ફર્યો હતો. દરેક વોર્ડમાં સ્થાનિક નાગરિકો સમક્ષ રાજ્ય સરકારની આરોગ્ય, શિક્ષણ, ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે રાજ્ય સરકારની નિષ્ફળતા રજૂ કરવામાં આવી હતી. રજૂઆતના પગલે સ્થાનિક નાગરિકોએ પણ વોર્ડમાં ગંદકી, પાણીનો અનિયમિત અને ઓછા પ્રેશરથી આવતો પુરવઠો, રોડ સહિતના પ્રશ્નોને રજૂ કર્યા હતા. મોટાભાગે વારંવાર ખોદવામાં આવતા રોડથી પ્રજા ત્રસ્ત હોવાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

http://www.divyabhaskar.co.in/news/MGUJ-AHM-HMU-MAT-latest-ahmedabad-news-020012-2692816-NOR.html