વિદેશમાં ગાંધી અને બુધ્ધની વાતો કરે છે તો દેશમાં સાબિત કરી બતાવે : રાજબબ્બર

મેં અગાઉ પણ કહ્યું હતું કે દિલ્હી અલ્પ વિરામ છે અને બિહાર પૂર્ણ વિરામ બનશે. છેલ્લા દોઢ-બે વર્ષમાં જ કેન્દ્ર સરકારનું સત્ય બહાર આવી રહ્યુ છે. ૨૦૧૯માં સંસદની ચૂંટણીઓ થશે અને હું હજી પણ કહું છું કે તે પહેલા ૨૦૧૭માં ગુજરાત આરએસએસ-ભાજપ પર અંતિમ ખીલો મારી દેશે.

વડોદરામાં કોંગ્રેસના પ્રચારાર્થે આવેલા કોંગ્રેસના નેતા, રાજયસભાના સાંસદ અને પ્રવકતા રાજબબ્બરે ઉપર્યુકત રાજકીય આગાહી કરતાં કહ્યું છે કે જેટલા વર્ષ જુઠ્ઠા પ્રચારમાં કાઢી અને લોકોને ખોટું બતાવ્યા કર્યું, તેનો પરપોટો તેટલા મહિના પહેલા જ ફૂટી ગયો. દિલ્હીની ચૂંટણી બોલબચ્ચન વિરૃધ્ધ હતી. તેમાં પાખંડી અને પાખંડીચાર્યો ખુલ્લા પડી ગયા. જ્યારે બિહારની ચૂંટણી માત્ર એક પ્રદેશની નહી, પણ પૂરા દેશની બનીગઇ હતી. આ ચૂંટણીના પરિણામ બાદ મજદૂરો અને ગરીબોના ચહેરા પર હાસ્ય આવી ગયું છે. તેઓએ બદલો વાળી લીધો છે.
નેતા- અભિનેતા સંદર્ભે પ્રશ્નના ઉત્તરમાં હિન્દી ફિલ્મોના આ અદાકારે ટોણો મારતા કહ્યું હતું કે કોઇપણ રોલ ભજવવા સચ્ચાઇ અને ઇમાનદારી ખૂબ મહત્વની છે. રોડ પર નાટક કરી બનાવટી આંસુ સારનારનું કોઇ સ્થાન હોતું નથી. તેમણે વડાપ્રધાનનું નામ લીધા વિના કહ્યું હતું પ્રશંસા માટે નવા કપડાં પહેરીને વિદેશોમાં ફરતા રહી ભીડ એકત્રિત કર્યા કરે છે. વિદેશોમાં ગાંધી અને બુધ્ધની યાદ અપાવ્યા કરે છે. ગાંધી અને બુધ્ધની વાતો કરે છે તો પછી દેશમાં તે સાબિત કરી બતાવવું જોઇએ. દાળ, દલિત અને દાદરીમાં જે નીતિ અપનાવી છે, તેવી ન હોવી જોઇએ. અસહિષ્ણુતા મુદ્દે તેમણે કહ્યું કે સંસ્કૃતિ, કલા અને સાહિત્ય સમાજને સમજવાની કોશિશ કરે છે. નીતિ, ધર્મ અને પાર્ટી સાથે કલાકારો કે સાહિત્યકારોને કોઇ મતલબ નથી, તેઓ માત્ર સામાજિક ચેતના જગાવે છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/vadodara-gujarat-election-rajababbara