લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો, મોટી સંખ્યામાં આગેવાનો કોંગ્રેસમાં જોડાયા
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે.
લોકસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આપના કેટલાક આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે. કોંગ્રેસમાં જોડાયેલા પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતનો જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાને વેગ મળશે. ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતીકાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે.
મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે, જી.એસ.ટી.નું અણઘડ અમલીકરણ, ટેક્ષનો બોજો અને ટેક્ષ ટેરેરીઝમને કારણે ગુજરાતના નાના ઉદ્યોગકાર-વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર થઈ છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.
તેમણે કહ્યું કે, લોકસભા ૨૦૨૪ની ચૂંટણીમાં જ્યારે થોડો સમય બાકી છે ત્યારે અમદાવાદ સહિતના વિસ્તારમાંથી ૧૦૦ થી વધુ કાર્યકર્તા જોડાતા કોંગ્રેસ પક્ષની તાકાતમાં ઉમેરો થશે. ભાજપ સરકારની નીતિ સંગ્રહખોરો-કાળાબજારીયાઓને આશીર્વાદ આપવાની હોવાથી જીવન જરૂરીયાત ચીજવસ્તુઓની કિંમતો સતત વધી રહી છે. કોંગ્રેસ શાસનમાં ૨૦૧૪માં ૪૧૪ રૂપિયાનો ગેસ સીલેન્ડર મળતો હતો જે આજે ભાજપ સરકારના શાસનમાં ૧૨૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્ય સેવા સતત કથળી રહ્યાં છે. ગુજરાત માટે સેવાના સાધનાના યજ્ઞમાં મોટી સંખ્યામાં જોડાયેલા આગેવાન-કાર્યકર્તાશ્રીઓનું સૌનું સ્વાગત છે. આગામી સમયમાં કોંગ્રેસ પક્ષની વિચારધારા વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સૌ માધ્યમ બનશો.
https://gujarati.abplive.com/news/ahmedabad/aam-aadmi-party-leaders-including-haresh-kothari-joined-the-congress-848662