રાજ્યમાં ભાજપ સાશનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર સામે સખત પગલાં ભરવાની માંગ

ગીર-સોમનાથ જીલ્લાના ઉના તાલુકા મોટા સમઢીયાળા ગામે દલિતો પર ભાજપ કાર્યકરો દ્વારા જંગલીયાત ભર્યા-અમાનુષી માર મારવાના બનાવ અંગે ભાજપ સરકાર અસરકારક પગલાં ભરવાને બદલે ગુન્હેગારોને છાવરવાનું કામ કરી રહી છે. ત્યારે દલિતો પર ભાજપ સાશનમાં વધી રહેલા અત્યાચાર સામે ભોગ બનેલા દલિતોને ન્યાય મળે અને અત્યાચાર અટકે તે માટે કોંગ્રેસ પક્ષ આંદોલનાત્મક કાર્યક્રમ આપશે. રાજ્યમાં ભાજપ સાશનમાં દલિતો પર વધી રહેલા અત્યાચાર સામે સખત પગલાં ભરવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લાં ઘણા સમયથી દલિતો પર વિવિધ જિલ્લાઓમાં અત્યાચાર થઇ રહ્યા છે. ગીર સોમનાથ જીલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં દલિત સમાજના ચાર યુવાનો પર જાહેરમાં જંગલીયાત ભર્યા-અમાનુષી અત્યાચાર થયો તે જોઇને પણ વહીવટીતંત્ર-પોલીસતંત્ર જાગતું નથી. દલિતો પર થયેલા અત્યાચારમાં ભાજપના કાર્યકરો હોવાનું બહાર આવ્યું છે ત્યારે તેમની સામે કાનૂની સખત પગલાં ભરવાને બદલે ઢાંક પીછોડાની અને ગુન્હેગારોને બચાવવાની તજવીજ ચાલી રહી છે. જે ઘણી જ ગંભીર બાબત છે. નેશનલ ક્રાઈમ બ્યુરો રેકોર્ડ પરથી પણ નોંધાયેલા દલિતો પરના અત્યાચાર-ગુન્હામાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. ભાજપ શાસનમાં તેમના મળતિયાઓ અને કાર્યકરો પહેલાં અત્યાચાર કરે અને પાછળથી લીપાથોપી માટે સહાયની જાહેરાતો કરતાં હોય છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note