રાજ્યની કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને સલામત ગુજરાતના મોટા મોટા દાવાની પોલ ખોલી : 21-04-2016

ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ગુનેગાર ફરાર થઈ જવાની ઘટનાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા, સુરક્ષા અને સલામત ગુજરાતના મોટા મોટા દાવાની પોલ ખોલી નાંખી છે.  ત્યારે બેફામ બનેલા બુટલેગરો અને અસામાજિક તત્વો પર પગલાં ભરવામાં નિષ્ફળ ગૃહ વિભાગ જવાબદારી સ્વીકારીને ગૃહ મંત્રી રાજીનામું આપે તેવી માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં જટિલ ગુનાઓ ઉકેલવા માટે અને ઉચ્ચ સુરક્ષા કાર્યરત હોવાના દાવા કરતી ક્રાઈમ બ્રાન્ચમાં જ ફરજ પરના કોન્સ્ટેબલની હત્યા કરીને ફરાર થઈ જાય તે દર્શાવે છે કે, ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી બુટલેગરો બેફામ છે. શામળાજી ખાતે દારૂ ખેપ મારતાં બુટલેગરે જીપ માથે ચડાવીને પી.એસ.આઈ. ને મોતને ઘાટ ઉતાર્યા, મહેસાણા ખાતે બુટલેગરોએ મહિલા પોલીસ પર જાનલેવા હુમલો કર્યો, વડોદરા ખાતે પોલીસ પર હુમલો, નર્મદાના રાજપીપળા ખાતે પોલીસ પર હુમલો, દાહોદના જુગારધામ પર દરોડો પાડવા ગયેલી પોલીસકર્મીઓ પર હુમલો જેવી ઘટનાઓ છાશવારે બની રહી છે. પોલીસ તંત્રની રક્ષક તરીકે જાનમાલના રક્ષણને બદલે ખુદના રક્ષણ કરવું પણ મુશ્કેલ બની ગયું તે હદે બુટલેગરો છાકટા બની ગયા છે અને પોપાબાઈનું રાજ હોય તે રીતે રોજબરોજ ઘટનાઓ બની રહી છે.

પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

Press Note