યુવાનો હવે નાળામાં પાઇપ લગાવી ગેસ કાઢીને પકોડાં બનાવશે : રાહુલનો કટાક્ષ
વડા પ્રધાન મોદીએ ૧૦ ઓગસ્ટના રોજ વર્લ્ડ બાયોફ્યૂઅલ દિવસે વક્તવ્ય આપતાં નિવેદન આપ્યું હતું કે એક વ્યક્તિ ગંદા નાળામાં પાઇપ લગાવીને તે નાળાના ગેસનો ઉપયોગ કરીને તેનાથી ચા બનાવતો હતો. વડા પ્રધાનના આ નિવેદન સંબંધે કટાક્ષ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કરોડોને રોજગાર આપવાનું વચન આપનારા વડા પ્રધાન મોદીનો રોજગારી મુદ્દે હવે એવો વ્યૂહ છે કે નાળામાં પાઇપ લગાવીને ગેસ કાઢો અને પકોડા બનાવો. કર્ણાટકના બીદરમાં રેલીને સંબોધતાં રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું કે કરોડોને રોજગારી આપવાનું વચન આપી ચૂકેલા મોદી હવે કહી રહ્યા છે કે તમે પકોડાં બનાવો અમે ગેસ પણ નહીં આપીએ.
તેઓ પ્રશ્નોથી ભાગે છે કેમ ? : રાહુલ
રાહુલ ગાંધીએ રેલીને સંબોધન કરતાં ફ્રાન્સ સાથેના રાફેલ સોદા મુદ્દે જાહેર ડિબેટ માટે વડા પ્રધાન મોદીને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હું તેમને ડિબેટ માટે પડકાર ફેંકુ છું , પરંતુ તેઓ કદી આ પડકારનો સ્વીકાર નહીં કરે કેમ કે સોદા વિશે તેઓ દેશ સમક્ષ જુઠ્ઠાણું ચલાવી રહ્યા છે. તેઓ પ્રશ્નોથી ભાગે છે કેમ ?’ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ફ્રાન્સની સરકાર સાથે રાફેલ જેટ વિમાન માટે સંરક્ષણપ્રધાન નિર્મલા સીતારામને ગુપ્ત રીતે કરાર કર્યા હતા. રાહુલ ગાંધીએ એમ પણ કહ્યું હતું કે ગોપનીયતાને નામે જેટની કિંમત કહેવા સરકાર ઇનકાર કરી રહી છે પરંતુ ફ્રાન્સના પ્રમુખે મને વ્યક્તિગત જણાવ્યું છે કે ભારત સરકાર ઈચ્છે તો તે જાહેર થઈ શકે.
http://sandesh.com/youth-now-nalawe-pipe-l/