મોદી સરકાર ખેડૂતવિરોધી : જમીન ખરડા મુદ્દે હવે રાજ્યો રણમોરચો બન્યાં છે : સોનિયા ગાંધી
દિલ્હીના રામલીલા મેદાનમાં કિસાન સમ્માન રેલીમાં સોનિયા-રાહુલના પ્રહારો
‘મેક ઇન ઇન્ડિયા’ વાસ્તવમાં ‘ટેક ઇન ઇન્ડિયા’ છે : રાહુલ
વિકાસનું ‘ગુજરાત મોડલ’ શ્રમિકો માટે નથી, અલંગ યાર્ડના શ્રમિકોની અવદશા તેનું ઉદાહરણ
જમીન સંપાદન ખરડા મુદ્દે સંસદમાં સમર્થન ન મળતાં જમીન વિષયક કાયદા ઘડવાનું રાજ્યો પર છોડી દેવા બદલ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ખેડૂતવિરોધી ગણાવી આજે કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ અહીંના રામલીલા મેદાન ખાતે કિસાન સમ્માન રેલીને સંબોધતાં શાબ્દિક પ્રહારો કર્યા હતા.
સોનિયાએ જણાવ્યું હતું કે જમીન સંપાદન ખરડા મુદ્દે લડાઇ હજુ પૂરી થઇ નથી. અગાઉ દિલ્હી રણમોરચો હતો, જેના બદલે હવે રાજ્યો રણમોરચો બન્યા છે. ખેડૂતોએ હવે વધુ સતર્ક રહેવું પડશે. અન્યથા તેમણે પોતાની જમીનથી હાથ ધોવાનો વારો આવશે. રાહુલે ખેડૂતોને અન્નદાતા અને ભાગ્યવિધાતા ગણાવતાં કહ્યું કે, ‘જમીન સંપાદન ખરડા અંગેની લડાઇ માત્ર સંસદ પૂરતી સીમિત નથી. આ લડાઇ ખેડૂતોની જમીન માટેની જ નહીં પણ તેમના સ્વાભિમાન માટેની છે. મોદીજી શું છે તે આપણે જાણીએ છીએ. તેઓ જે વિચારતા હોય તે બોલતા નથી. તેથી જ એક તરફ તેઓ એમ કહે છે કે તેઓ કોંગ્રેસનો (જમીન સંપાદન) કાયદો બદલશે નહીં અને બીજી તરફ તેમણે ભાજપશાસિત રાજ્યોના મુખ્યપ્રધાનોને જમીન સંપાદન કાયદામાં ફેરફારો કરવા કહ્યું છે. તેથી આપણે હવે જમીન સંપાદન ખરડા અંગેની લડાઇ રાજ્યોની વિધાનસભાઓમાં પણ લડવાની છે.’
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-the-bill-now-states-that-the-land-issue-has-been-ranamoraco