મોદી વિદેશનો એક ફેરો ઓછો મારે તો પણ એક હજાર કરોડ બચશે: વાઘેલા

અમરેલીમાં સાંજે આજે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જંગી જાહેરસભા સંબોધતા જણાવ્યુ હતું કે રાજ્ય સરકારના વહીવટીતંત્રએ સર્વે કરીને અમરેલી જીલ્લામાં મસમોટુ નુકશાન થયાનું જણાવ્યુ છે. ત્યારે રાહત પેકેજ જાહેર કરવામાં ખરૂ રાજકારણ રમવાનું હોય પરંતુ સરકારે ભીખનો ટુકડો આપતા હોય તેવું પેકેજ જાહેર કર્યુ છે. ખરેખર બે હજાર કરોડનું પેકેજ જાહેર થવું જોઇએ અને ભાજપના ભ્રષ્ટાચારી અને કટકીબાજો વચ્ચે ન આવે તે રીતે અધિકારીઓ દ્વારા લોકોમાં વહેંચાવુ જોઇએ.
નરેન્દ્ર મોદી વિદેશનો એક ફેરો ઓછો મારે તો પણ દેશના એક હજાર કરોડ બચશે અને લોકોને રાહત પેકેજ વધુ આપી શકાશે. શંકરસિંહ વાઘેલાએ સરકારને ચીમકી આપતા જણાવ્યુ હતું કે ગાંધીનગરની સરકાર બે નંબરના ધંધા બંધ કરે. સરકાર અચ્છે દિનના વાયદા કરતી હતી. શું અમરેલીમાં આ અચ્છે દિન છે ? તો બીજી તરફ અહિં મંચ પરથી બોલતા ઉપવાસી ધારાસભ્ય પરેશભાઇ ધાનાણીએ જણાવ્યુ હતું કે મોરબીમાં આફત આવી અને સરકારની મદદ મળી તો ધંધા ઉદ્યોગ એવા વિકસ્યા કે દુનિયાભરમાં મોરબીનું નામ છે. કચ્છમાં ભુકંપ આવ્યો અને સરકારી સહાય મળતા દુનિયાભરના ઉદ્યોગો ધમધમી રહ્યા છે. ત્યારે શું અમરેલીને આવું પેકેજ આપી દશ વર્ષ પાછળ ધકેલી દેવુ છે. આ વાત કરતી વખતે ધારાસભ્ય ધાનાણી મંચ પર રડી પડયા હતાં.

http://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-modi-abroad-less-than-once-i-saved-a-thousand-million-say-vaghela-in-amreli-5052913-PHO.html