મોદી ‘મન કી બાત’ કરવાને બદલે રોજગારી આપે: ભરતસિંહ સોલંકી
કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકાર દ્વારા ફેબ્રુઆરીૃ- 2006 માં શરૂ કરાયેલી મનરેગા યોજનાને 10 વર્ષ પૂર્ણ થવાના અવસરે મંગળવારે વડોદરા શહેર કોંગ્રેસના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કટાક્ષ કરતાં કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહિનામાં એક વખત મન કી બાત કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના લોકોના પ્રશ્નોની ચિંતા કરવાને બદલે બેરોજગારોને રોજગારી આપવાનું કાર્ય કરે તે જરૂરી છે.
પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કાર્યકરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, મનરેગા યોજનાથી ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારોને રોજગારી મળતાં દેશની આર્થિક સ્થિતિ મજબૂત બની હતી. આ યોજના રોજગારી આપતી વિશ્વની સૌથી મોટી યોજના પુરવાર થઇ હતી.સોલંકીએ ગુજરાતની ભાજપ સરકારના 1.33 લાખ કરોડના બજેટમાં મનરેગા માટે કોઇ જોગવાઇ નહોવાની વાતને દુ:ખદ લેખાવી હતી. આ ઉપરાંત ભાજપ સરકાર કોંગ્રેસ શાસનમાં બનાવાયેલી સરકારી મિલકતો દલાલો, મળતીયા અને એજન્ટોના ઇશારે વેચવા કાઢી હોવાનો આક્ષેપ કર્યો હતો. પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, દેશમાં ભાજપ સરકાર આવતાં મનરેગાનું બજેટ 39,700 કરોડથી ઘટાડી 22 હજાર કરોડનું કરી દેતાં 3 કરોડ લોકો રોજગારીથી વંચિત થયા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. પ્રારંભમાં આગેવાનોએ મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
http://www.divyabhaskar.co.in/news/MGUJ-VAD-HMU-congress-celebrates-mgnrega-10-year-ending-program-at-vadodara-5238952-PHO.html