મોદીજી, તમે કહેલું કે કપાસનો ભાવ રૃા ૧૪૦૦ મળવો જોઈએ, હવે અપાવો

રાજકોટના સાંસદ કૃષિમંત્રી છે ત્યારે ખેડૂતોની ‘અચ્છે દિન’ની અપેક્ષા પૂરી કરવા માંગ કોંગ્રેસની

બોલવું આસાન છે, પાળવું મૂશ્કેલ! ચૂંટણી પ્રચારમાં ભાજપે કરેલા અનેક વાયદાની હવે તેમને યાદ અપાવાઈ રહી છે જેમાં કપાસનાં ટેકાના ભાવ મહત્વની બાબત છે.

ભારત સરકારમાં જયારે કપડામંત્રી તરીકે શંકરસિંહ વાઘેલા હતા તે વખતે કપાસનો ભાવ ૧૫૦૦ રૃા. સુધી ખેડૂતોને મળ્યો હતો. ખેડૂતોને આ પોષણક્ષમ ભાવ મળે તે માટે સી.સી.આઈ. મારફતે ભારત સરકારે મોટા પ્રમાણમાં કપાસની ખરીદી સારા ટેકના ભાવે કરાવી હતી. ત્યારબાદ જયારે કપાસનો ભાવ ઓછો થયો ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કીધું હતું કે, ખેડૂતોને કપાસનો ભાવ પૂરતો નથી મળતો અને ખેડૂતો ચોધાર આંસુએ રડી રહ્યાં છે. અને માંગણી કરી હતી કે ખેડુતોને કપાસનો ભાવ ઓછામાં ઓછો ૧૪૦૦ રૃા. મળવો જોઈએ. પ્રદેશ કોંગ્રેસના મંત્રી હરદેવસિંહ જાડેજાએ આ વાત યાદ અપાવતા જણાવ્યું છે કે, હવે કેન્દ્રમાં નરેન્દ્રભાઈ વડાપ્રધાન છે અને રાજકોટના સાંસદ કૃષિ મંત્રી છે ત્યારે કૃષિમંત્રી પાસે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતોને મોટી અપેક્ષા છે. હાલમાં વરસાદે જતા જતા ખેડૂતોને સારો કપાસ થાય તેવી પૂરી પાડી છે ત્યારે હવે સરકારની જવાબદારી છે કે કપાસનો યોગ્ય ભાવ પણ મળીરહે. સરકાર ખેડૂતો જયારે કપાસ જીનર્સો અને વેપારીઓને વહેંચી દે છે ત્યારબાદ ટેકાનો ભાવ નક્કી કરતી હોવાથી જયારે ટેકાનો ભાવ નક્કી થાય ત્યારે ખેડૂતોના હાથમાં કપાસ હોતું નથી. અત્યારથી જ કપાસના ટેકાનો ભાવ ભાજપ સરકારે ચૂંટણી પહેલા ઢંઢેરામાં કરેલા વાયદા મુજબ ૧૪૦૦ રૃા. જાહેર કરવો જોઈએ. ખેડૂતોના હિતને ધ્યાને રાખી આગમચેતી રૃપે અત્યારથી ખેડૂતોના હિતનો નિર્ણય કરવા માટે માંગમી છે.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/narendra-modi-of-gujarat-saurashtra-rajkot-cotton