‘મેક ઇન ઇન્ડિયા’ વાસ્તવમાં ‘ટેક ઇન ઇન્ડિયા’ છે : રાહુલ ગાંધી
રાજધાની દિલ્હીનાં રામલીલા મેદાન ખાતે આયોજિત કિસાન મઝદૂર સન્માન રેલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની કથિત ખેડૂતવિરોધી નીતિઓને વખોડી કાઢી હતી. રેલીને સંબોધન કરતાં સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ નવી દિલ્હીમાં જમીનસંપાદન ખરડાની લડાઇ જીતી ચૂકી છે અને હવે આ લડાઇ રાજ્યોમાં લઇ જશે. કોંગ્રેસ દેશનો વિકાસ અવરોધી રહી છે તેવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આરોપો નકારી કાઢતાં કોંગ્રેસપ્રમુખે જણાવ્યું કે કોંગ્રેસ ખેડૂત હિતો વિરુદ્ધના સરકારના તમામ નિર્ણયોનો વિરોધ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોંગ્રેસ દ્વારા કરાતા વિરોધની ગંભીરતા સમજી શક્યા નહોતા જ્યારે તેમણે વિરોધની શક્તિ જોઇ ત્યારે તેમણે પીછેહઠ કરી હતી. કેન્દ્રમાં મોદી સરકારના આવ્યા બાદ ખેડૂતોની સ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. દુકાળ, વીજળી અને પાણીની સમસ્યા જૈસે થે છે. મોદી સરકાર પાસે ખેડૂતોની સમસ્યા ઉકેલવાનો સમય નથી. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલે સરકારની ખેડૂતવિરોધી નીતિની ઝાટકણી કાઢતાં જણાવ્યું કે સરકારને અન્યાયી જમીનસંપાદન ખરડો પડતો મૂકવાની ફરજ પડી છે. જમીન સંપાદન ખરડા વિરુદ્ધની લડાઇ માત્ર સંસદ પૂરતી નહોતી, આ લડાઇને રાજ્યોની વિધાનસભાઓમાં લઇ જવાશે. આ ખેતરો માટે નહીં ખેડૂતોનાં હૃદયની લડાઇ છે.
રાહુલે જણાવ્યું કે ખુશી થાય ત્યારે માતાની યાદ આવે છે. ખેડૂતોને બે માતા હોય છે. એક પાલનપોષણ કરનાર અને બીજી જમીન. મને એક ખેડૂતે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી અમારી માતા છીનવી રહ્યા છે. તમે અમારી સાથે ઊભા રહો. આ ખેડૂતનાં ભવિષ્યની લડાઇ છે. અમે જ્યારે સંસદમાં વિરોધ કરતા ત્યારે તેમને વિક્સ ખાવી અને લગાવવી પડતી હતી.
http://www.sandesh.com/article.aspx?newsid=3136423