મહિલા કોંગ્રેસ-NSUI દ્વારા ઉમેદવારોની પેરેરલ યાદી

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા જિલ્લા સ્તરે ચાલે છે પરંતુ યૂથકોંગ્રેસ- એનએસયુઆઈ તથા મહિલા કોંગ્રેસ દ્વારા તેમના કાર્યકરોને ટિકિટ મળે તે માટે પેરેરલ પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. મહિલા કોંગ્રેસ દ્વારા પ્રથમ તાલુકા અને જિલ્લા કક્ષાએ બેઠકો યોજી જે મહિલા કાર્યકર જે બેઠક પરથી ચૂંટણી લડવા માંગતી હોય તેમની વિગતો એકત્ર કરવામાં આવી છે. એ જ રીતે યૂથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા પણ ટિકિટ વાંચ્છુ યુવાનોની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે. આ યાદી તૈયાર કર્યા બાદ જ્યારે ફાઈનલ પસંદગી હાથ ધરાશે ત્યારે આ યાદીને પ્રાધાન્ય આપવાનો આગ્રહ રાખવામાં આવશે. મહિલા કોંગ્રેસ પ્રમુખ સોનલબહેન પટેેલે જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ૫૦ ટકા મહિલા અનામતનો અમલ થવાનો છે. જિલ્લા પક્ષમાં સક્રિય કાર્યકરને અન્યાય ન થાય અને કોઈ સ્થાનિક આગેવાનો પોતાના પરિવારમાંથી મહિલા ઉમેદવાર પસંદ કરાવવાનો આગ્રહ ન રાખે તે માટે અત્યારથી જ અમે કાર્યકર બહેનોની યાદી અને બેઠક અંગેની વિગતો તૈયાર રાખીશું. દરેક જિલ્લા કક્ષાએ આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

http://www.sandesh.com/article.aspx?newsid=3131857