ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ 12 થી વધુ બાળકોના થયેલ મોત… : 02-11-2015
ભાવનગર સર ટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલ 12 થી વધુ બાળકોના થયેલ મોત છતાં ગુજરાતનું આરોગ્ય તંત્ર ઉંઘી રહ્યું છે. સમગ્ર બનાવમાં આરોગ્ય- હોસ્પિટલતંત્ર દ્વારા દાખવવામાં આવેલી અસંવેદનશીલતાની આકરી ઝાટકણી કાઢતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી અને પ્રવક્તા શ્રી નિશીત વ્યાસે જણાવ્યું હતું કે, ગુજરાતમાં દિવસે દિવસે આરોગ્ય તંત્રની બેદરકારીના કારણે ગુજરાતના નાગરિકો સારવાર વિના હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. સરકારી હોસ્પિટલોમાં ડૉક્ટરો અને સાધનોની તંગીના કારણે દાખલ થયેલ દર્દીઓ માટે પરિસ્થિતિ ઘણી ગંભીર બની જાય છે. રાજ્યમાં છેલ્લા ઘણાં સમયથી સ્વાઈન ફ્લૂ, ડેન્ગ્યુ, કમળો સહિત રોગચાળાના કારણે સામાન્ય-મધ્યમવર્ગના દર્દીઓએ જીવ ગુમાવ્યા છે. તેમ છતાં આરોગ્ય તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં પોઢી ગયું છે. સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓને પૂરતી સારવાર તો ઠીક પણ જરૂરી દવા પણ ઉપલબ્ધ નથી. પરિણામે ખાનગી મેડીકલ સ્ટોરો સરકારી હોસ્પિટલની બહાર નાગરિકો પાસેથી મનમાની રીતે નાણાં વસૂલે છે.
પ્રેસનોટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો