ભારતીયોને સરકારમાં અને સરકારને પોતાનામાં ભરોસો નથી : મનમોહન

– ગૌમાંસ મુદ્દે વડાપ્રધાન મોદીના મૌનની ટીકા કરી

– દરેક ભારતીયને તમારામાં વિશ્વાસ હોવો જોઈએ : મનમોહનની મોદીને સલાહ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે ગૌમાંસ અને દાદરી કાંડ જેવા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મૌનની ટીકા કરતા કહ્યું છે કે, તમે દરેક ભારતીયને વિશ્વાસ અપાવો કે અમારી પાસે એવા વડાપ્રધાન છે જે અમારી ભલાઈ ઈચ્છે છે.
આજે એક ઈન્ટરવ્યૂમાં મનમોહન સિંહે કહ્યું હતું કે, ભાજપ-કોંગ્રેસ વચ્ચેની અનિચ્છિનિય કડવાશ માટે ભાજપ જવાબદાર છે. દેશની પ્રજા ઈચ્છે છે કે, તેઓ અમુક મુદ્દે અભિપ્રાય આપે પરંતુ તેઓ ક્યારેય બોલ્યા નથી. ગૌમાંસનો મુદ્દો હોય કે મુઝફ્ફરનગરની કોઈ કોમી હિંસા હોય એ મુદ્દે તેઓ હંમેશાં શાંત રહ્યા છે.
જોકે, મોદી ચૂપ કેમ રહે છે એવો સવાલ કરતા મનમોહને કહ્યું હતું કે, એ હું જાણતો નથી. તેમના મનમાં શું છે એ હું ના વાંચી શકું. પરંતુ તેઓ દેશના વડાપ્રધાન છે અને તેમણે દરેક ભારતીયને  વિશ્વાસ અપાવવો જોઈએ કે, આપણી પાસે એક એવા વડાપ્રધાન છે જે બધાનું ભલું કરશે.
એનડીએ સરકારના શાસનમાં વિદેશો સાથેના સંબંધ સુધર્યા છે એ મુદ્દે મનમોહને કહ્યું હતું કે, યુપીએ સરકારના શાસનમાં પણ સંબંધ સુધર્યા હતા. આ દરમિયાન મનમોહને પાકિસ્તાન અને નેપાળની વિદેશ નીતિ અંગે એનડીએ સરકારની ટીકા કરી હતી.
વડાપ્રધાન મોદીએ શરીફના જન્મદિનની વધામણી આપવા અચાનક લાહોરની મુલાકાત લીધી હતી એ અંગે પણ મનમોહને ટીકા કરી હતી. તેમણે કહ્યું હતું કે, આવું કરીને મોદીએ ખોટો ઉન્માદ સર્જવાની જરૃર ન હતી.

http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/national-manmoan-asked