ભાજપ જ ભ્રષ્ટાચારનું મૂળ ગૌત્ર છે : ભરતસિંહ સોલંકી
રાજ્યમાં જિલ્લા પંચાયત સહિત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના પરાજય પાછળ ભાજપના કાર્યકરો જ કોન્ટ્રાકટર થઇ ગયા હોવાનું ખુદ મુખ્યમંત્રી આનંદીબેને જ ઘટસ્ફોટ કર્યો છે તે બાબત સ્પષ્ટ દર્શાવે છે કે ભાજપ જ ભ્રષ્ટાચારનું મૂળ ગૌત્ર છે તેવો આક્ષેપ ગાંધીનગરમાં યોજાયેલા કોંગ્રેસના એસ.સી., એસ.ટી., અને ઓ.બી.સી. સમાજના સ્વાભિમાન ધરણામાં પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ કર્યો હતો. ધરણામાં ઉપસ્થિત ચારથી પાંચ હજારની જનમેદની વચ્ચે ગાંધીનગર અને કલોલના ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હતા.
તેમણે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં હમણાં એવું કહેવાય છે કે આનંદીબેનને હવે મુખ્યમંત્રીપદેથી જાય છે અને અમિત શાહ આવવાના છે, આનંદીબેન ટ્રેકટર લઇને ભ્રષ્ટાચાર કરવા નીકળ્યા હતા, પણ અમિત શાહ તો બુલડોઝર લઇને નીકળશે. તેમણે ભાજપથી પીડિત વર્ગને ગાંધીનગરની ગાદી પરથી વર્ષ 2017માં ભાજપને ફેંકી દેવાની હાકલ સ્વાભિમાન રેલીમાં કરી હતી.
તેમણે 1960માં મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પડ્યા પછી કોંગ્રેસે સરદાર સરોવર ડેમ, હજીરા જેવા ઉદ્યોગો, અમૂલ ડેરી સહિત વિવિધ ક્ષેત્રે ગુજરાતનો વિકાસ કર્યો હતો, પણ 1990 પછી ગુજરાતમાં ખેડૂતોની જમીન અને પછાત વર્ગના હકો છીનવાય જાય તેવા કાવતરા ભાજપ સરકારે કર્યા છે. આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ જનમેદનીને સંબોધન કર્યું હતું.
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-congress-blam-on-bjp-at-gandhnagar-swabhiman-really-5228043-NOR.html