ભાજપે ઓબીસી સમાજને આર્થિક અને શૈક્ષણિક પાયમાલ કર્યો : કોંગ્રેસ
ગુજરાતમાં ભાજપના બે દાયકાના શાસનમાં
ઓબીસી સમાજ સંગઠિત બની સરકાર સબક શીખવાડે : વડોદરામાં મધ્યઝોનની મીટિંગ
ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં ભાજપ સરકારે ઓબીસી સમાજને આર્થિક અને શૈક્ષણિક રીતે પાયમાલ કર્યો છે તેવો સૂર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઓબીસી વિભાગની મધ્યઝોનની બેઠકમાં અગ્રણીઓએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે આ ચૂંટણીઓ સંદર્ભે ઓબીસી વિભાગના સંગઠન માટે ચર્ચા વિચારણા થઇ હતી. બેઠકમાં આગેવાનોએ કહ્યું હતું કે ઓબીસીના સંશાધનો લૂંટીને સરકારે ઉદ્યોગપતિઓને ધરાવ્યા છે. શિક્ષણને આ સરકારે ધંધો બનાવીને ઓબીસી સમાજને શિક્ષણથી વંચિત કરવાનું કાવતરૃ કર્યુ છે. ઓબીસીની ૫૪ ટકા વસ્તી છે, તેમ છતા માત્ર ૨૭ ટકા અનામત અપાય છે. સ્થાનિક સ્વરાજ્યમાં રાજકીય અનામત માત્ર ૧૦ ટકા આપીને અન્યાય કર્યો છે. આવનાર સમયમાં ઓબીસી સમાજ સંગઠિત બની સરકારને બરાબર સબક શીખવાડે તેવું આહવાન અપાયુ હતું. ગુજરાત સરકારે એ વસ્તી આધારિત સર્વાંગી વિકાસ થાય તેવું બજેટ બનાવવું જોઈએ તેવી માગણી થઈ હતી. વડાપ્રધાન પોતે પણ ઓબીસીના ગણાવે છે, પરંતુ ગુજરાતમાં તેમના આટલા વર્ષોના શાસનમાં ઓબીસીના હિતોનું રક્ષણ થયું હોય તેવું લાગતું નથી. ઓબીસીમાં સમાવિષ્ટ લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને સંગઠિત થવું જોઈે તેવી અપીલ કરાઈ હતી.
મધ્ય ઝોન ઓબીસી વિભાગની બેઠકમાં પ્રદેશના સંબંધિત વિભાગના નેતાઓ તેમજ ઓબીસી વિભાગના મધ્ય ગુજરાતના ૫૦૦થી વધુ કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/baroda-gujarat-congress4106