ભાજપના પાટીદાર નેતાઓને હજૂ લોકો ગામડામાં ઘૂસવા દેતા નથી
– વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય દ્વારા ઝાટકણી
– ૮ મંત્રી, ૪૫ પાટીદાર એમએલએને શરમ કેમ આવતી નથી?
રાજ્યમાં ચાલી રહેલું પાટીદાર આંદોલન કોઈને કોઈ રૃપે ગૃહમાં ગાજતું રહે છે. કોંગ્રેસના વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડિયા આજે પ્રવચન કરવા ઊભા થયા અને તેમણે શરૃઆત જ પાટીદાર આંદોલનથી કરી. તેમણે ખેતરમાં જોવા મળતા તેતર પક્ષીની વાર્તાની આડમાં ભાજપના પાટીદાર પ્રધાનો અને ધારાસભ્યોને બરાબરના ખેંચ્યા હતા.
પાટીદાર આંદોલનના ઉલ્લેખથી ભાજપના સભ્યોમાંથી સ્વાભાવિક પ્રતિક્રિયા રૃપે કોમેન્ટ થઈ એટલે તેમણે કહ્યું, તાલુકા-જિલ્લા પંચાયતોની ચૂંટણી પતી ગઈ છે પરંતુ આજેય આ લોકોને ગામડામાં લોકો ઘુસવા દેતા નથી. સરકારના કેટલાક ‘તેતર’ પાટીદારોને સમજાવવા નીકળ્યા છે પરંતુ તેમને શરમ આવવી જોઈએ. સરકારમાં આઠ પ્રધાનો અને ૪૫ ધારાસભ્યો પાટીદાર છે પરંતુ એકપણ સભ્યએ ૧૦-૧૦ પાટીદાર યુવાનોના મોત અને મહિલાઓ પરના અત્યાચાર અંગે હરફ સુદ્ધાં ઉચ્ચાર્યો નથી! પાટીદાર સમાજનો ૧૦ ટકા વર્ગ સાધન-સંપન્ન, સુખી છે પરંતુ બાકીનો ૯૦ ટકા વર્ગ તો ખેતરમાં કાળી મજૂરી કરીને ધાન ઉગાડે છે. કપાસના ટેકાના ભાવ મળતા નથી ત્યારે પણ પાટીદારોના મતથી ચૂંટાયેલાં એક પણ સભ્ય-પ્રધાનના પેટનું પાણી હાલતું નથી. જો કે, સમયસૂચક ઘંટડીને કારણે રીબડિયા તેમનો વધુ આક્રોશ વ્યક્ત કરી શક્યા નહોતા.
http://www.gujaratsamachar.com/index.php/articles/display_article/bjp-rajkot-saurashtra-village-patidaar