પ્રજાએ ભાજપને સત્તાથી હટાવ્યો છતાં બિનલોકશાહી ઢબે સત્તા મેળવવી એ ભાજપનો ઈતિહાસ છે : ભરતસિંહ

કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ પંચાયતોમાં થયેલી હાર જનમતને સ્વીકારવાના બદલે વિવિધ હથકંડાથી, નૈતિકતા નેવે મૂકી યેનકેન પ્રકારે કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યોને તોડવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પ્રજાએ ભાજપને સત્તાથી દૂર કર્યા છે ત્યારે બિનલોકશાહી ઢબે સત્તા હાંસલ કરવા ભાજપ બેબાકળું બન્યું છે.

પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષની ચૂંટાયેલી જિલ્લા પંચાયત બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા તથા ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભાજપ સત્તા માટે નૈતિકતા નેવે મૂકી રહ્યું છે. તાજેતરની ચૂંટણીઓમાં કોંગ્રેસને જન આશીર્વાદ મળ્યા છે ત્યારે કોંગ્રેસના કાર્યકરો ભાજપના આવા કોઈપણ પ્રકારના હથકંડા સામે લોકશાહી ઢબે સામનો કરશે.

ભરતસિંહે દિલ્હી પ્રવાસ અંગે જણાવ્યું હતું કે તા. ૯ ડિસેમ્બરના રોજ કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીનો જન્મદિન છે. જન્મદિનની શુભેચ્છા પાઠવવા માટે દિલ્હી જવાના છીએ. સાથોસાથ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની પણ મુલાકાત લેવાના છીએ.આમ આદમી પાર્ટી ૨૦૧૭ની ચૂંટણી લડવા તૈયારી કરી રહી છે તે અંગે પૂછતાં સોલંકીએ જણાવ્યું હતું કે ‘આપ’પ્રથમ કોંગ્રેસના આઝાદી પહેલાંની લડાઈનો અભ્યાસ કરે. ૧૯૬૦થી ગુજરાતમાં કોંગ્રેસ પક્ષે આપેલા નેતૃત્વ અને ગુજરાતની પ્રગતિ અંગે માહિતગાર થાય.

http://www.sandesh.com/article.aspx?newsid=3195006