‘ન ખાઈશ અને ન ખાવા દઈશ’નો વાયદો શું મોદી ભૂલી ગયા? : રાહુલ

કોંગ્રેસઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે રાજસ્થાનનાં હનુમાનગઢમાં આવેલા ખોથાવાલીમાં ૯ કિલોમીટર લાંબી પદયાત્રા યોજી હતી. જમીનસંપાદન બિલનો વિરોધ કરવાનાં ઉપલક્ષ્યમાં તેમણે આ પદયાત્રા યોજી હતી. અહીં કોંગ્રેસકાર્યકર્તાઓ વચ્ચે પહોંચેલા રાહુલે પીએમ મોદી પર સીધો પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, તમને યાદ છે, આશરે એક વર્ષ પહેલાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ન ખાઇશ અને ન ખાવા દઇશ પરંતુ લાગે છે કે તેઓ તેમનો વાયદો ભૂલી ગયા છે.

સંસદનાં ચોમાસું સત્રમાં જમીનસંપાદન બિલ મુદ્દે કેન્દ્ર સરકાર સામે મોરચો માડવાનું નક્કી કરી ચૂકેલા કોંગ્રેસઉપાધ્યક્ષે આગળ જણાવ્યું કે, તેમની પાર્ટી એનડીએ સરકારને એક ઇંચ પણ જમીનઅધિગ્રહણ કરવા નહીં દે. અમે તેમને આગળ વધવા દઈશું નહીં. રાહુલે આગળ જણાવ્યું કે, ભાજપ અને વડા પ્રધાને કોંગ્રેસને ઘણા એવા મુદ્દાઓ આપ્યા છે, જેના વિશે ક્યારેય તેમણે વિચાર્યું નહીં હોય, જેમ કે, જમીનનો મુદ્દો, ભ્રષ્ટાચાર અને વ્યાપમંનો મુદ્દો. કોંગ્રેસ ફક્ત રાજસ્થાનમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં ભાજપસરકાર સામે જનતાની લડાઈ લડશે અને એક-એક ખોટાં કામનો બદલો લેશે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીના સ્તરથી ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે.

રાહુલે જણાવ્યું કે, ‘તમે ગભરાશો નહીં. કોંગ્રેસ ગરીબો અને ખેડૂતોની પાર્ટી છે, જો ભાજપ તમને હેરાન કરશે તો અમે તેમને પહોંચી વળીશું. અમે તમારી સાથે છીએ જ્યાં પણ ગરીબોને મારવાનો પ્રયત્ન થશે ત્યાં અમે દીવાલની જેમ ઊભા રહી જઈશું. કોંગ્રેસનો દરેક કાર્યકર્તા, એમએલએ અને એમપી આ વાતને ઉઠાવશે.’

http://www.sandesh.com/article.aspx?newsid=3099932