દુબઈની મસ્જિદમાં માથું ટેકનારા મોદીનું રાજીનામું માગો: વાઘેલા
– શંકરસિંહે ભાજપને અડવાણીની પાક.યાત્રા યાદ કરાવી
– ‘ઝીણાની મઝાર પર ગયેલા અડવાણીનું રાજીનામું લઈ લેવાયું હતું’
– ‘ઝીણાની મઝાર પર ગયેલા અડવાણીનું રાજીનામું લઈ લેવાયું હતું’
ગાંધીનગર : યુએઈના પ્રવાસ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મસ્જિદની લીધેલી મુલાકાત વિશે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ વેધક પ્રશ્ન કરતા શબ્દપ્રહાર કર્યો છે કે, ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણી પાકિસ્તાનમાં ઝીણાની મઝાર પર માથું ટેકવવા ગયા અને તેમનું કહેવાતા હિંદુ ધર્મના ઠેકેદારો એવા સંઘ પરિવારે રાજીનામું લેવડાવી દીધું હતુ, હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યુએઈની મસ્જિદમાં માથું ટેકવા ગયા તો શું તેમનું પણ એરપોર્ટ પર જ રાજીનામું લેવાશે?
વડાપ્રધાન પર સીધો કટાક્ષ કરતા વાઘેલાએ કહ્યું હતું કે, ‘તમારું રાજીનામું લેવાશે કે પછી તમારી જેમ જ ડબલ સ્ટાન્ડર્ડ અપનાવાશે. યુએઈના પ્રવાસ અંગે તેમણે વધુ પ્રહાર કરતા કહ્યું હતું કે, ‘યુએઇમાં દાઉદની મિલકતો તપાસવા ગયા છો, પણ દાઉદની મુંબઇમાં જ આશરે 4500 કરોડની મિલકત છે તેની પર કાર્યવાહી કરો. અબુધાબીમાં મંદિર માટેની વડાપ્રધાન મોદી દ્વારા કરાયેલી જાહેરાતની પણ ટીકા કરતા તેમણે કહ્યું હતું કે, દુબઇમાં શ્રીનાથજીની હવેલી, શિવ મંદિર, ગુરુદ્વારા વર્ષોથી છે અને વર્ષ 2013માં જ ‘અક્ષરધામ અબુધાબી’ એવું નામ આપવાની શરતે જમીન અપાઇ છે એટલે તેનો ખોટો યશ વડાપ્રધાને લેવો ન જોઇએ.’
વડાપ્રધાનના વિદેશ પ્રવાસની ટીકા કરતા વાઘેલાએ કહ્યું હતું કે સામે ચાલીને વિદેશ જવા માટેના આમંત્રણ મગાવે છે. ચૂંટણી વખતે એક માથું વાઢે તો બાર માથાં વાઢીને લાવીશ તેવા દાવા વડાપ્રધાને કર્યા હતા. અત્યારે તમામ દેશમાં જાય છે, પણ પાકિસ્તાન જતા નથી. શરીફ કેરી મોકલે તો કેરીનો રસ ચૂસે છે ને ગોટલા પ્રજા પર ફેંકે છે.’
http://www.divyabhaskar.co.in/news-ht/MGUJ-GAN-OMC-sankarsih-vaghela-question-and-demand-for-modis-resignation-on-uae-visit-5087360-PHO.html