જે રીતે મોદી કપડાં બદલે છે, તેવી રીતે RBI નિયમો બદલે છે: રાહુલ ગાંધી
બેંકોમાં જૂની નોટો જમા કરાવવા માટે સતત બદલતા રહેતા નિયમોને લઈને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાંધ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેવી રીતે કપડા બદલે છે તેમ આરબીઆઈ નિયમો બદલે છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે ટ્વિટ કરીને આ પ્રહાર કર્યો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમે પણ સરકાર અને આરબીઆઈ વચ્ચે નજર આવી રહેલા વિરોધાભાસ પર સવાલ ઊભા કર્યા છે.
વાત જાણે એમ છે કે જૂની રદ નોટો જમા કરાવવા અંગે સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા છાશવારે નિયમો અને શરતોમાં ફેરફાર કરી રહ્યા છે. સોમવારે સરકારે જાહેરાત કરી કે 5000થી વધુ રકમની જૂની નોટો એક ખાતામાં એક જ વાર જમા કરાવી શકાશે, આમ ન કરવા પર જમા કરનારાની પૂછપરછ થશે. ત્યારબાદ મંગળવારે કહેવામાં આવ્યું કે પૂછપરછ થશે નહીં. આ અગાઉ પણ સરકાર નોટ જમા કરાવવા અને કાઢવા અંગે અનેક ફેરફાર કરી ચૂકી છે. જેને લઈને વિપક્ષે સતત સરકાર પર સવાલો ઉઠાવ્યાં છે.
રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટથી પહેલા અંગ્રેજી અને ત્યારબાદ હિન્દીમાં ટ્વિટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે લખ્યું કે જે રીતે મોદી કપડા બદલે છે તે રીતે RBI નિયમો બદલી રહી છે. અત્રે જણાવવાનું કે આજે નાણામંત્રી અરુણ જેટલીએ નાના કારોબારીઓ માટે રાહતની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે લોકોએ એક જ વાર રૂપિયા જમા કરાવવા જોઈએ. નહીં તો શંકા પેદા થાય છે.
http://sandesh.com/rahul-gandhi-slams-pm-modi-and-rbi/